રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે રાજકોટ ડિવિઝનના ૮ રેલકર્મીઓનું DRM દ્વારા સન્માન
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સેફ્ટીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા આઠ રેલકર્મીઓને ડિવિઝન રેલ પ્રબંધક (ડીઆરએમ) ગિરીરાજ કુમાર મીના દ્વારા ડીઆરએમ કાર્યાલય, રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રશસ્તિ-પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પરિચાલન (ઓપરેટિંગ) વિભાગ તથા વીજળી (ટ્રેક્શન) વિભાગ સંબંધિત આ કર્મચારીઓને એપ્રિલ 2026 અને મે 2026 દરમિયાન ડ્યુટી સમયે અસાધારણ સતર્કતા અને જવાબદારી દર્શાવીને સંભવિત રેલ અકસ્માતો અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે આ સન્માન આપવામાં આવ્યું છે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર સન્માનિત થનારા કર્મચારીઓમાં હિતેશ ડોડિયા (સ્ટેશન માસ્ટર, બિલેશ્વર), મનોજ કુમાર બહેરા (સ્ટેશન અધીક્ષક, હેડક્વાર્ટર–અલિયાબાડા), આકાશ કુમાર મીના (સ્ટેશન માસ્ટર, હેડક્વાર્ટર–રામપરડા), જિગ્નેશ ડી. દલસાણિયા (લોકો પાયલટ (ગૂડ્ઝ), હાપા), રામરતન મીણા (લોકો પાયલટ (મેલ/ગૂડ્ઝ), સુરેન્દ્રનગર), જયપ્રકાશ ગિનારે (લોકો પાયલટ, શંટર, રાજકોટ), રાજકુમાર શર્મા (લોકો પાયલટ (માલગાડી), હેડક્વાર્ટર–હાપા) તથા વસીમ ચલંગા (લોકો પાયલટ (માલગાડી), હેડક્વાર્ટર–હાપા)નો સમાવેશ થાય છે.
આ કર્મચારીઓએ ડ્યુટી દરમિયાન જાગરૂકતા દર્શાવીને અનેક મહત્વપૂર્ણ ટેકનિકલ ખામીઓ સમયસર ઓળખી કાઢી હતી. જેમાં ટ્રેન સાથે ‘ઓલ રાઇટ’નું આદાન-પ્રદાન કરતી વખતે ટેન્ક વેગન અને કોચમાં અનિયમિતતાની ઓળખ, રેલવે ટ્રેક નજીક ઘાસમાં આગની તીવ્ર જ્વાળાઓ દેખાતા ટ્રેનને સેફ સ્થળે ઊભી રાખીને આગ ઓલવ્યા બાદ તેનું સેફ સંચાલન, યાર્ડના ડોક મિડવે ક્ષતિગ્રસ્ત હોવાનું ધ્યાને આવતા ટ્રેનને તે પહેલાં જ રોકી દેવી તથા ડોક મિડવે સેફ થયા પછી જ ટ્રેન આગળ વધારવી શામેલ છે. આ ઉપરાંત માલગાડીના વેગનની તપાસ દરમિયાન નકલ પિન તૂટેલી હોવાનું ધ્યાને આવતા તેને તાત્કાલિક રીપેર કરાવવી એ પણ આ કર્મચારીઓની સતર્કતાના મુખ્ય ઉદાહરણો છે.
આ પ્રસંગે ડીઆરએમ ગિરીરાજ કુમાર મીનાએ સન્માનિત કર્મચારીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે તેમની સતર્કતા, ઝડપી નિર્ણય શક્તિ અને કર્તવ્યનિષ્ઠા સમગ્ર ડિવિઝનના કર્મચારીઓ માટે પ્રેરણાદાયી છે તથા રેલવે સેફ્ટીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની દિશામાં તેમનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે.
આ કાર્યક્રમમાં એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર (એડીઆરએમ) બ્રિજેશ કુમાર સિંહ, સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર રમેશ ચંદ મીણા, સિનિયર ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર સુનીલ કુમાર ગુપ્તા તથા સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ટ્રેક્શન) મનોજ કુમાર રાવ ઉપસ્થિત રહ્યા હતા.


