- ઈઝરાયેલ-હમાસ સંઘર્ષથી ક્રુ઼ડ ઓઈલની આયાતનો નવો માર્ગ ખુલ્યો
- ભારતની કુલ ક્રૂડ ઓઈલની 80 ટકાથી વધુ જરૂરિયાત આયાત પર આધારિત
- ક્રૂડ ઓઈલ ઈમ્પોર્ટ બિલ ઘટાડવા માંગે છે ભારત સરકાર
રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદતું ભારત હવે અન્ય યોગ્ય વિકલ્પ તરફ આગળ વધવા વિશે વિચારી રહ્યું છે. ભારતના તેલ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ બુધવારે કહ્યું કે ભારત વેનેઝુએલા પાસેથી તેલ ખરીદી શકે છે અને ભારતીય ઓઇલ રિફાઇનિંગ કંપનીઓ આ તેલને રિફાઇન્ડ કરી શકે છે.
અમેરિકાએ વેનેઝુએલા પરનાં તેલ પ્રતિબંધોને કર્યા હળવા
ભારતના તેલ અને પેટ્રોલિયમ મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ તાજેતરમાં વેનેઝુએલા પર લગાવવામાં આવેલા તેલ પ્રતિબંધોને હળવા કર્યા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગત મહિને ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળવાના કારણે મધ્ય પૂર્વમાં તણાવનું વાતાવરણ ઉત્પન્ન થયું છે. આ સંઘર્ષને ધ્યાનમાં રાખીને અમેરિકાએ વેનેઝુએલા પરના તેલ પ્રતિબંધો હળવા કર્યા છે.
ક્રૂડ ઓઈલ ઈમ્પોર્ટ બિલ ઘટશે
ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. ભારત તેની કુલ ક્રૂડ ઓઈલની 80 ટકાથી વધુ જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે. ભારત વેનેઝુએલામાંથી ઓઈલ આયાત કરીને ક્રૂડ ઓઈલ ઈમ્પોર્ટ બિલ ઘટાડવા માંગે છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ એક ઈન્ડસ્ટ્રી ઈવેન્ટમાં વેનેઝુએલાથી ઓઈલ ઈમ્પોર્ટ સંબંધિત સવાલોના જવાબ આપતાં કહ્યું હતું કે, “બજારમાં વધુ સપ્લાયર્સ હોય ત્યારે તે હંમેશા સારું રહે છે. જ્યાં પણ અમને સસ્તું તેલ મળશે, અમે ત્યાંથી ખરીદી કરીશું.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે ”ઇન્ડિયન ઓઇલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી ભારતીય રિફાઇનરીઓ ભૂતકાળમાં પણ વેનેઝુએલા પાસેથી તેલ ખરીદતી રહી છે. વેનેઝુએલા સૌથી વધુ તેલ ભંડાર ધરાવતા દેશોમાંનો એક છે અને તેનું મોટા પાયે ઉત્પાદન વૈશ્વિક તેલના ભાવને નીચે લાવી શકે છે.”
યુદ્ધની અસરથી પ્રતિબંધો હટાવાયા
દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલા 2019 થી પ્રતિબંધ હેઠળ છે. 2024 માં યોજાનારી આગામી ચૂંટણીઓ અને મધ્ય પૂર્વમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને વેનેઝુએલાની સરકાર અને વિપક્ષી પક્ષો વચ્ચેની સમજૂતી પછી યુએસએ બે અઠવાડિયા પહેલા આ પ્રતિબંધોને મોટાભાગે નાબૂદ કર્યા હતા. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા લાઇસન્સ હેઠળ વેનેઝુએલા આગામી છ મહિના સુધી કોઈપણ મર્યાદા વિના કોઈપણ દેશમાં તેલની નિકાસ કરી શકે છે.
ભારત રશિયા પાસેથી ખરીદી રહ્યું છે સસ્તું તેલ
યુક્રેન સાથેના યુદ્ધને કારણે પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોનો સામનો કરી રહેલું રશિયા તેની અર્થવ્યવસ્થાને સંતુલિત કરવા માટે રાહતના ભાવે ભારતમાં તેલની નિકાસ કરી રહ્યું છે. જેના કારણે ભારતીય રિફાઇનિંગ કંપનીઓ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલ આયાત કરી રહી છે. ફેબ્રુઆરી 2022 માં રશિયા-યુક્રેન સંઘર્ષ શરૂ થયો તે પહેલાં ભારતની આયાત બાસ્કેટમાં રશિયન તેલનો હિસ્સો એક ટકાથી ઓછો હતો. પરંતુ યુક્રેન સાથેના યુદ્ધ બાદ ભારતીય ઓઈલ માર્કેટમાં રશિયાનો હિસ્સો વધીને 35 ટકાથી વધુ થઈ ગયો છે. ભારતે ઑક્ટોબર 2023માં રશિયા પાસેથી 1.55 મિલિયન બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઓઈલની આયાત કરી હતી, જે અગાઉના મહિનામાં 1.62 મિલિયન bpd હતી. ઓક્ટોબરમાં ભારત દ્વારા ક્રૂડ ઓઈલની કુલ આયાતમાં રશિયન ઓઈલનું યોગદાન લગભગ 34 ટકા હતું.


