29 જુલાઈથી આધુનિક LHB રેક સાથે દોડશે હાપા–નાહરલાગુન સ્પેશિયલ ટ્રેન
LHB કોચથી મુસાફરોને મળશે વધુ સારી સુરક્ષા અને આરામદાયક મુસાફરીનો લાભ
અગ્ર ગુજરાત, રાજકોટ
મુસાફરોની સુવિધા અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની દિશામાં રેલવે વહીવટીતંત્રે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 09525/09526 હાપા–નાહરલાગુન–હાપા સ્પેશિયલમાં પરંપરાગત ICF (ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી) રેકના સ્થાને LHB (લિંકે હોફમેન બુશ) રેક લગાડવામાં આવશે. LHB કોચ ઊંચી ઝડપે ઉત્તમ સ્થિરતા, ઓછા આંચકા અને અદ્યતન સુરક્ષા વિશેષતાઓ માટે જાણીતા છે, જેનાથી મુસાફરોને પહેલા કરતાં વધુ સુગમ, સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે ટ્રેન નંબર 09525 હાપા–નાહરલાગુન સ્પેશિયલમાં આ વ્યવસ્થા 29 જુલાઈ, 2026થી હાપાથી અને ટ્રેન નંબર 09526 નાહરલાગુન–હાપા સ્પેશિયલમાં 1 ઓગસ્ટ, 2026થી નાહરલાગુનથી લાગુ થશે.
આ ટ્રેનમાં કુલ 21 LHB કોચ હશે, જેમાં 1 સેકન્ડ એસી, 3 થર્ડ એસી, 11 સ્લીપર ક્લાસ, 4 જનરલ કોચ, 1 લગેજ વેન અને 1 જનરેટર વેન સમાવિષ્ટ હશે. LHB રેકના સંચાલનથી ટ્રેનની સુરક્ષા અને ઓપરેશનલ ક્ષમતામાં વધારો થશે તેમજ મુસાફરોને પહેલા કરતાં વધુ આરામદાયક અને ગુણવત્તાયુક્ત મુસાફરીનો અનુભવ પ્રાપ્ત થશે.


