પારડીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા રાજકોટના ચાર સહિત સાત જુગારીઓ ઝડપાયા
શાપર-વેરાવળ પોલીસના દરોડામાં રૂ. 1.76 લાખની રોકડ સહિત રૂ. 2.91 લાખનો મુદ્દામાલ જપ્ત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલા અભિયાન હેઠળ શાપર-વેરાવળ પોલીસે પારડી ગામમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન, ગંજીપત્તા સહિત કુલ રૂ. 2.91 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે પારડી ગામમાં શીતળા મંદિર પાછળ આવેલા મકાનમાં લાંબા સમયથી જુગારનો અડ્ડો ચાલી રહ્યો હોવાની માહિતી મળી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મકાનના માલિક ભાર્ગવ નારણગીરી અપારનાથી બહારથી લોકોને બોલાવી નાલના રૂપિયા વસૂલ કરી આર્થિક લાભ માટે જુગાર રમાડતો હતો. ત્યારબાદ શાપર-વેરાવળ પોલીસે ટીમ સાથે સ્થળ પર દરોડો પાડતા જુગાર રમતા તમામ આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી.દરોડા દરમિયાન પોલીસે રૂ. 1,76,770ની રોકડ, છ મોબાઇલ ફોન, ગંજીપત્તાના પાના, પાથરણું તથા અન્ય સામગ્રી મળી કુલ રૂ. 2,91,870નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ઝડપાયેલા આરોપીઓમાં પારડીના ભાર્ગવ નારણગીરી અપારનાથી, નારણગીરી મોતીગીરી અપારનાથી અને જયેશ ટપુભાઈ ઘરડુસીયા ઉપરાંત રાજકોટના હિતેષ વ્રજલાલ રાજાણી, ધ્રુવ અનીરૂદ્ધ કાકડિયા, નિકુંજ બાવાભાઈ પરસાણા અને કિશોર દોલતરામ વાઘવાણીનો સમાવેશ થાય છે. આ સમગ્ર કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી. રાણા તથા તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


