જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું
મશીન, વાહન સહિત રૂ.34 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો
અગ્ર ગુજરાત, જેતપુર
રાજકોટ રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગજપીરની દરગાહ પાસે, ભાદર નદીના પટમાં ગેરકાયદેસ ખનીજ ચોરીને ઝડપી સ્થળ પરથી મશીન વાહન સહિત રૂ.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ઉચ્ચ અધિકારીઓની સૂચનાના અનુસંધાનમાં રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ. પારગીના સીધા માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. પી.બી. મિશ્રા તથા એસ.ઓ.જી. શાખાનો સ્ટાફ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એસ.ઓ.જી. શાખાના અ.હે.કો. નૈમિષભાઈ મહેતા તથા પિયુષભાઈ અઘેરાને સંયુક્ત રીતે ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગજપીરની દરગાહ પાસે, ભાદર નદીના પટમાં આવેલી જગ્યામાંથી સાદી રેતીનું ગેરકાયદેસર ખનન અને વહનની પ્રવૃત્તિ બેરોકટોક ચાલુ છે.
આ મળેલી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમ દ્વારા તાત્કાલિક તે જગ્યાએ રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન સ્થળ ઉપરથી સાદી રેતીનું ગેરકાયદેસર ખનન અને વહન કરતી પ્રવૃત્તિ ખુલ્લેઆમ ચાલુ હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી કાયદેસરના પગલાં લીધાં હતાં. લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો
આ દરોડા દરમિયાન પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વપરાતા એસ્કેલેટર મશીન (જેસીબી/મશીન): અંદાજે કિંમત રૂપિયા ૩૦,૦૦,૦૦૦, ટ્રેક્ટર (રજીસ્ટ્રેશન નંબર GJ08J3204) અંદાજે કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ તથા સાદી રેતી અંદાજે ૨૦૦ ટન, કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૩૪,૦૦,૦૦૦/- (ચોત્રીસ લાખ રૂપિયા) નો મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા તમામ વાહનોને એમ.વી. એક્ટ ૨૦૭ મુજબ ડિટેઈન કરી વધુ દંડકીય કાર્યવાહી માટે ભૂસ્તરશાસ્ત્રી, ખાણ ખનીજ વિભાગ, રાજકોટના નાઓને રિપોર્ટ કરી સોંપવામાં આવ્યા છે.


