વીરપુર પીઠડીયા ટોલનાકા પાસે કારના ચોર ખાનામાંથી ₹2.64 લાખનો દારૂ ઝડપાયો
કારમાંથી 304 બોટલ વિદેશી દારૂ સાથે બે આરોપીઓ ઝડપાયા; એલસીબીની સફળ કાર્યવાહી
અગ્ર ગુજરાત, વિરપુર
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પીઠડીયા ટોલનાકા નજીક લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) રાજકોટ ગ્રામ્યએ નોંધપાત્ર કાર્યવાહી કરતાં કારમાં બનાવવામાં આવેલા ગુપ્ત ચોર ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરી કુલ ₹2,64,296નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મિજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS), રાજકોટ રેન્જના માર્ગદર્શન તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS)ની સૂચના મુજબ પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીએસઆઇ આર.વી.ભીમાણી તથા કે.એમ.ચાવડા તથા એચ.સી.ગોહીલ તથા પી.એન.ભરવાડ તથા એ.એસ.આઇ. અનીલભાઇ બડકોદીયા તથા બાલક્રુષ્ણભાઈ ત્રીવેદી તથા પો.હેડ કોન્સ. મનીષભાઈ વરૂ તથા રમણીકભાઈ મણવર તથા મનદીપસિંહ જાડેજા, તથા પો.કોન્સ. પો.કોન્સ. ભરતભાઈ ગમારા તથા ભાવેશભાઈ મકવાણા તથા મીરલભાઈ ચંદ્રવાડીયા તથા ડ્રા.પો.કોન્સ. અબ્દુલભાઈ શેખ સહિત ટીમ પેટ્રોલિંગમાં હતી.
આ દરમિયાન ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ મારફતે મળેલી ચોક્કસ બાતમીના આધારે વિરપુરના પીઠડીયા ટોલનાકા પાસે સફેદ રંગની ટાટા ઈન્ડીકા વિસ્ટા કાર (રજિસ્ટ્રેશન નંબર GJ-04-BE-2973)ને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાં બનાવવામાં આવેલા ગુપ્ત ચોર ખાનામાંથી વેચાણ માટે લાવવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે કારમાંથી 180 એમ.એલ. માપની જુદી-જુદી બ્રાન્ડની કુલ 304 કંપનીશીલ પેક બોટલો, બે મોબાઈલ ફોન તેમજ કાર સહિત કુલ ₹2,64,296નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં ફારૂક ઈસ્માઈલભાઈ સીપાઈ (રહે. બહારપુરા, ધોરાજી) અને અમન રસુલભાઈ કુરેશી (રહે. ખાટકીવાસ, નવાગઢ, જેતપુર)ની ધરપકડ કરવામાં આવી છે. બંને સામે વિરપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર નંબર 0224/2026 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઇ), 116(બી), 81 અને 98(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આરોપી ફારૂક ઈસ્માઈલભાઈ સીપાઈ સામે અગાઉ લૂંટ, જાહેરનામા ભંગ અને એન.ડી.પી.એસ. એક્ટ સહિતના ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે અમન રસુલભાઈ કુરેશી સામે પણ અગાઉ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે,પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથધરી છે.


