રાજયની બોર્ડર પરથી ૧૬3૪૯ દારૂની બોટલ ઝડપાઇ
બનાસકાંઠાના થરા નજીક SMCનો સપાટો, ઉન ગામના બ્રિજ પાસેથી રૂ.૧.૦૫ કરોડનો મુદામાલ જપ્ત કરાયો
અગ્ર ગુજરાત, બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂના ગેરકાયદેસર નેટવર્ક પર મોટી ધાક બોલાવવામાં આવી છે. SMC ની ટીમ દ્વારા થરા-રાધનપુર નેશનલ હાઈવે-27 પર આવેલા ઉન ગામના ઓવરબ્રિજ પાસે ચોક્કસ બાતમીના આધારે રેડ કરીને ગેરકાયદે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાતના બોર્ડરના જિલ્લાઓમાંથી બેરોકટોક છેવાડાના વિસ્તાર સુધી કરોડોના દારૂ ઘૂસાડવામાં બૂટલેગરો સફળ થતા હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
આ સફળ રેડ દરમિયાન પોલીસે રૂ. 1,05,12,451 નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. જેમાં 1000 થી વધુ પેટીઓ અને 16,349 બોટલો મળી આવી છે. દારૂના જથ્થા સાથે અન્ય સાધન-સામગ્રી મળીને પોલીસે કુલ રૂ. 1,20,22,661 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે સ્થળ પરથી દારૂની હેરાફેરીમાં સામેલ 2 આરોપીઓ ઓમપ્રકાશ આસુરામ કાકળ અને જિતેન્દ્રકુમાર ભોમારામ કાકળની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધોરીમન્ના તાલુકાના આદર્શ લુખુ ગામના વતની હોવાનું સામે આવ્યું છે.
આ કેસમાં હરીશ સોનારામ કુંકણા સહિત કુલ 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. દારૂનો જથ્થો મંગાવનાર, ગાડીમાં જથ્થો ભરાવનાર અને ટ્રક માલિક સહિત અન્ય 3 આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે થરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


