વોર્ડ નં.૪માં ભાજપમાં ગાબડુ, સ્થાનિક રાજકારણમાં ગરમાવો
ભાજપમાં રહી બેઘર થવુ તેના કરતા કોંગ્રેસમાં રહી ભીખ માંગવી સારી : રણછોડભાઇ ઉધરેજા
કોર્પોરેટર કંકુબેન ઉધરેજાના દિયર અને વોર્ડના પૂર્વ મહામંત્રી સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા
ભાજપ દ્વારા ચૂંવાળીયા કોળી સમાજને 3પ વર્ષથી અન્યાય, ધારાસભ્યની ટિકિટ નહી આપી હોવાના આક્ષેપ
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વ થતા અને હોદેદારોની નિમણુંક થતાં હવે ભાજપનાં કાર્યકર્તાઓમાં રહેલી નારાજગી સામે આવી રહી છે. ચૂંટણીમાં ચૂંવાળીયા કોળી સમાજની ઉપેક્ષા કરવામાં આવી રહી છે અને યોગ્ય પ્રતિનિધિ નહી મળતાના આક્ષેપ સાથે વોર્ડ નં.૪ના ભાજપના પૂર્વ મહામંત્રી રણછોડભાઇ ઉધરેજા સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતાં.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓ કે રાજકીય સમીકરણો વચ્ચે શહેર ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે. રાજકોટ શહેર ઠાકોર સેનાના પ્રમુખ અને વોર્ડ નં. ૪ ભાજપના પૂર્વ મહામંત્રી રણછોડભાઈ ઉઘરેજા પોતાના અનેક સમર્થકો અને સાથીઓ સાથે ભાજપનો સાથ છોડી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. આ સિવાય મહિલા કોર્પોરેટર કંકુબેન ઉધરેજાના દિયર પણ મોટી સંખ્યામાં ટેકાદારો સાથે કોંગ્રેસમાં સામેલ થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ OBC ડિપાર્ટમેન્ટના ચેરમેન ડો. મહેશભાઈ રાજપૂતે રણછોડભાઈ અને તેમના સાથીઓને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.
કોંગ્રેસમાં જોડાયા બાદ રણછોડભાઈ ઉઘરેજાએ ભાજપ શાસકો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્રમક સુરતમાં જણાવ્યું હતું કે, “ભાજપે અમારા ચૂંવાળીયા કોળી સમાજ સાથે સતત અન્યાય કર્યો છે. છેલ્લા ૩૫ વર્ષથી આ સમાજને એક પણ ધારાસભ્યની ટિકિટ આપવામાં આવી નથી કે સંગઠનમાં પણ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. ભાજપમાં રહીને ગરીબ લોકોને બેઘર કરવા કરતાં કોંગ્રેસમાં રહીને ભીખ માંગવી વધુ સારી છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આવનારા દિવસોમાં વિશાળ સંમેલન યોજવામાં આવશે, જેમાં હજારોની સંખ્યામાં લોકો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે.
ડો. મહેશ રાજપૂત આ પ્રસંગે કોંગ્રેસના નેતા ડો. મહેશભાઈ રાજપૂતે ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, “દેશની જનતા હવે ભાજપનો અસલી ચહેરો અને તેમની લોકવિરોધી નીતિઓ જાણી ચૂકી છે. જે રીતે દેશના હિત માટે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નેહરુ લડ્યા હતા, તે જ રીતે આજે પણ દેશ બચાવવા અને સમાજના ન્યાય માટે સૌએ કોંગ્રેસ સાથે જોડાઈને આગળ આવવું પડશે.”


