આંગણવાડી, આશા અને મિડ-ડે મીલ વર્કરોનું વિરોધ પ્રદર્શન
પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા જેલ ભરો આંદોલન અંતર્ગત રાજકોટમાં વિશાળ રેલી, કલેક્ટરને આવેદન પાઠવી ગાંધીનગર ઘેરવાની ચિમકી
અગ્ર ગુજરાત, રાજકોટ
પોતાના ન્યાયી હક અને પડતર માંગણીઓને લઈને છેલ્લા લાંબા સમયથી ઉપેક્ષા સહન કરી રહેલા ગુજરાતના આંગણવાડી, આશા વર્કર અને મિડ-ડે મીલ કર્મચારીઓએ હવે સરકાર સામે ખુલ્લી જંગનું એલાન કરી દીધું છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ ત્રાટકેલા હજારો શોષિત કર્મચારીઓએ દેશવ્યાપી ‘જેલ ભરો આંદોલન’ના ભાગરૂપે એક પ્રચંડ રેલી યોજીને સરકારના બહેરા કાન સુધી પોતાનો હૂંકાર પહોંચાડ્યો હતો. કાળઝાળ ગરમી અને સરકારી તંત્રની ઉદાીનતા વચ્ચે શેરીઓમાં ઊતરેલા આક્રોશિત વર્કરોના નારાઓથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું.
આ કોઈ સામાન્ય વિરોધ નથી, પણ વર્ષોથી થતા આર્થિક શોષણ સામેનો પ્રચંડ જનઆક્રોશ છે. રાજ્યભરમાંથી એકઠા થયેલા કર્મચારીઓનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. આંગણવાડી અને મિડ-ડે મીલના કર્મચારીઓ પાયાના સ્તરે પ્રજાની સેવા કરે છે, છતાં તેમને યોગ્ય વળતર આપવાના નામે માત્ર શોષણ જ કરવામાં આવી રહ્યું છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા સંગઠને સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે કર્મચારીઓને તુરંત જ ‘લઘુત્તમ વેતન’ આપવામાં આવે અને નામદાર હાઈકોર્ટે આપેલા ઐતિહાસિક ચુકાદાનો કોઈ પણ જાતના વિલંબ વગર તાત્કાલિક અમલ કરવામાં આવે. સરકારી કાગળોમાં યોજનાઓ ગમે તેટલી ગુલાબી બતાવવામાં આવે, પણ તેને જમીન પર ઉતારતી મહિલા કર્મચારીઓ આજે આર્થિક તંગી અને અન્યાયના બોજ તળે દબાયેલી છે.
સંગઠનના અગ્રણી નેતા સંગીતાબેન રાવલે સરકારને સીધો જ પડકાર ફેંકતા આક્રમક સૂર ઉચ્ચાર્યો હતો કે, “અમે અમારો હક માંગી રહ્યા છીએ, કોઈ ભીખ નહીં. જ્યાં સુધી સરકારી તંત્ર અમારી માંગણીઓ સંતોષશે નહીં અને અમને ન્યાયી હક નહીં મળે, ત્યાં સુધી અમે પીછેહટ કરવાના નથી. જો સરકાર હજુ પણ આંખ આડા કાન કરશે, તો ગાંધીનગરમાં લડત વધુ ઉગ્ર બનાવીને અચોક્કસ મુદતના ‘પડાવ’ નાખવામાં આવશે.”
મહિલા કર્મચારીઓના આક્રમક વલણ અને એકજુટતાને જોઈને સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આંગણવાડી વર્કરોએ સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે જો ટૂંક સમયમાં તેમની પડતર માંગણીઓનો ઉકેલ લાવવામાં નહીં આવે, તો આંદોલન વધુ વ્યાપક બનશે અને સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર ઠપ્પ કરી દેવામાં આવશે. આરપારની આ લડાઈ હવે ગાંધીનગરના સિંહાસન સુધી પહોંચી ચૂકી છે.


