ટ્રાન્સપોર્ટનગર પાસે ટ્રકમાંથી રૂ.9.77 લાખનો દારૂ ઝડપાયો
માર્કેટિંગ યાર્ડ નજીક હાઇવે પર PCBનો દરોડો : 276 બોટલ સાથે ટ્રક ડ્રાઇવરની ધરપકડ, દારૂનો જથ્થો મોકલનાર શખ્સની શોધખોળ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સૂચનાથી PCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે ટ્રાન્સપોર્ટ નગરના ખૂણે માર્કેટિંગ યાર્ડ નજીક હાઇવે પરથી ટાટા કંપનીના ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
PCB પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ મેતા અને કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણાને મળેલી સંયુક્ત હકીકતના આધારે ટ્રાન્સપોર્ટ નગર પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ ટાટા એલટીપી-1512 ટ્રકને અટકાવી તપાસ કરતાં તેમાંથી બેગપાઇપર ક્લાસિક વ્હિસ્કીની 750 એમએલની કુલ 276 બોટલ મળી આવી હતી.
પોલીસે દારૂની બોટલોની કિંમત રૂ.2,77,656 ગણાવી છે. ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલો ટાટા કંપનીનો એલટીપી-1512 મોડલનો ટ્રક, રજીસ્ટ્રેશન નંબર GJ-02-AT-2670, જેની કિંમત આશરે રૂ.7 લાખ છે, તે પણ કબજે કરવામાં આવ્યો છે. આમ પોલીસે કુલ રૂ.9,77,656નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રાણીમા રૂડીમા ચોક પાસે રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા 33 વર્ષીય નાગજીભાઈ દેવાભાઈ ચાવડાની ધરપકડ કરી છે. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર હોવાનું સામે આવેલા વાલાભાઈ હનુભાઈ બામ્બા, રહે. ગોકુલધામ પાસે, મવડી, રાજકોટની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
PCBની ટીમે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. ટ્રકનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કઈ રીતે કરવામાં આવ્યો અને આ પ્રકરણમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.


