ઉપલેટામાં બે વખતથી વીજ બિલમાં ત્રણથી પાંચ ગણો ધરખમ વધારો આવતા નાગરિકોમાં રોષ
સોલાર વપરાશકર્તાઓને પણ હજારોનું બિલ આવતા સ્થાનિક વીજ વિભાગ સામે તટસ્થ તપાસની ઉગ્ર માંગ
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વીજળીના બિલને લઈને ગ્રાહકોમાં ભારે દેકારો મચી ગયો છે. છેલ્લા બે થી ત્રણ બિલિંગ સાયકલથી શહેરીજનો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને અસામાન્ય રીતે ખૂબ જ મોટા અને ધરખમ વીજ બિલો ફટકારવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. સામાન્ય રીતે જે ગ્રાહકોને અગાઉના મહિનાઓમાં સરેરાશ જેટલું બિલ આવતું હતું તેના કરતા સીધી જ ત્રણથી પાંચ ગણી વધારે રકમ દર્શાવીને બિલો મોકલવામાં આવ્યા છે. આ પ્રકારે અચાનક વીજ બિલમાં થયેલા તોતિંગ વધારાના કારણે મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારોનું આર્થિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને લોકો ભારે આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે.
આ સમગ્ર પ્રકરણમાં સૌથી વધુ આશ્ચર્યની વાત તો એ છે કે, જે ગ્રાહકોએ ભવિષ્યમાં વીજ બચત કરવાના હેતુથી લાખો રૂપિયાનો જંગી ખર્ચ કરીને પોતાના ઘરે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવી છે, તેમને પણ વીજ કંપનીની આ મોટી ખામીનો ભોગ બનવું પડ્યું છે. નિયમિત રીતે સોલારનો વપરાશ કરતા નાગરિકોએ આક્રોશ સાથે જણાવ્યું છે કે તેમને પણ ૫,૦૦૦ થી લઈને ૧૨,૦૦૦ રૂપિયા સુધીના તોતિંગ બિલો પકડાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, તંત્રની ઘોર બેદરકારીનો નમૂનો એ પણ છે કે કેટલાક ગ્રાહકોને એક જ મહિનાની અંદર બબ્બે વખત લાઈટ બિલ મોકલી આપવામાં આવ્યા છે, જે વીજ કંપનીની સીધી રીતે વહીવટી ખામીઓ છતી કરે છે.
એકાએક આટલા મોટા પ્રમાણમાં લોકોને અધધધ બિલો આવતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે વીજ કંપનીના મીટર કે કોમ્પ્યુટર સિસ્ટમમાં કોઈ મોટી ટેકનિકલ ગડબડ છે, અથવા તો પછી ગ્રાહકોને ખંખેરવા માટે કોઈ મોટો પ્લાન ઘડાયો છે. જેના કારણે લોકોમાં ભારે અસંતોષ અને રોષ ઊભો થયો છે અને તેઓ સત્વરે સત્ય જાણવા માંગી રહ્યા છે.
જાગૃત નાગરિકોએ જણાવ્યું છે કે, વીજ વિભાગ પાસે આ સમગ્ર મામલે તટસ્થ તપાસની ફરિયાદ ગ્રાહકોએ કરવી જોઈએ તેવું જણાવ્યું છે. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે વીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ મીડિયા સમક્ષ આવીને પુરાવા સાથે આ બાબતનો પારદર્શક ખુલાસો કરવો જોઈએ. ગ્રાહકોએ પણ એકઠા થઈ વીજ કચેરી ખાતે જઈને લેખિત ફરિયાદો કરવી જોઈએ અને કાયદાકીય તપાસણી કરાવવી જોઈએ તેવો સૂર ઉઠ્યો છે. જો વહેલી તકે અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા કોઈ સંતોષકારક ખુલાસો નહીં કરાય તો, ઉપરથી નીચે સુધી નાગરિકોને લૂંટવાનું મોટું કોઈ જબરદસ્ત અને ખુબ જ મોટું ષડયંત્ર ચાલી રહ્યું હોવાની શંકા હકીકતમાં બદલાઈ જશે તેવી પુરેપુરી સંભાવનાઓ છે.


