રેલવે સ્ટેશનો-ટ્રેનોમાં નાઇટ પેટ્રોલીંગ અને પોલીસ બંદોબસ્ત વધારવાના આદેશ
પશ્ચિમ રેલવે વિસ્તારની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ : અધિકારીઓને સુરક્ષા અંગે નિર્દેશ
અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદ ખાતે CID ક્રાઇમ & રેલ્વેઝના DGP ડો. કે. એલ. એન. રાવના અધ્યક્ષસ્થાને પશ્ચિમ રેલ્વે વિસ્તાર માટે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. બેઠકમાં રેલવે સ્ટેશન અને ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા, ચોરી-લૂંટ અને પોકેટમારી જેવા ગુનાઓ પર નિયંત્રણ, e-FIR, CCTV સર્વેલન્સ તેમજ રેલવે માર્ગે થતી નશીલા પદાર્થોની હેરાફેરી સામેની કાર્યવાહી સહિતના મહત્વના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન ટ્રેન અને રેલવે સ્ટેશનો પર બનતી ચોરી, લૂંટફાટ અને પોકેટમારીની ઘટનાઓ રોકવા માટે વધુ કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં પોલીસ બંદોબસ્ત વધારવા તેમજ નિયમિત પેટ્રોલિંગ વધુ અસરકારક બનાવવા અધિકારીઓને જણાવાયું હતું. મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો સહિત તમામ મુસાફરોને સુરક્ષિત અને સુખદ મુસાફરી મળી રહે તે માટે જરૂરી સુરક્ષાત્મક વ્યવસ્થા સતત જાળવવા પર પણ ભાર મૂકાયો હતો.
DGP ડો. કે. એલ. એન. રાવે ગુનાઓની ફરિયાદ ઝડપથી નોંધાય અને તેનો ઝડપી ઉકેલ આવે તે માટે e-FIR પ્રક્રિયાની પણ સમીક્ષા કરી હતી. રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં CCTV કેમેરા મારફતે સતત દેખરેખ રાખવા તેમજ ટેકનોલોજી આધારિત મોનિટરિંગ સિસ્ટમને વધુ મજબૂત બનાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
રેલવે માર્ગે નશીલા પદાર્થોની હેરાફેરીને રોકવા માટે વધુ કડક અને સંકલિત કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. શંકાસ્પદ મુસાફરો અને સામાનનું સઘન ચેકિંગ કરવા તેમજ નશીલા પદાર્થોની સપ્લાય ચેઇન સાથે જોડાયેલા લોકો સુધી તપાસ પહોંચાડવા જણાવાયું હતું. આ ઉપરાંત આંતરરાજ્ય સ્તરે કાર્યરત ડ્રગ્સ ગેંગ સામે સંકલિત સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવા અને માત્ર નાના આરોપીઓ સુધી કાર્યવાહી સીમિત ન રાખી સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસ લંબાવવાનો નિર્દેશ અપાયો હતો.
આધુનિક ટૂલ્સનો ઉપયોગ વધારવા નિર્દેશ
ગુનાની તપાસમાં આધુનિક ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે ‘ગાંડીવ’, ‘સુદર્શન’ અને NATGRID જેવા ઇન્ટેલિજન્સ ટૂલ્સની ઉપયોગિતા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આવા ટેકનોલોજી આધારિત સાધનોના ઉપયોગથી ગુનાની તપાસ, માહિતીનું વિશ્લેષણ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓની ઓળખ વધુ અસરકારક રીતે કરી શકાય તે અંગે ચર્ચા થઈ હતી.
સંકલન વધારવા સૂચના
રેલવે પોલીસ અને રેલવે પ્રશાસન વચ્ચે યોગ્ય સંકલન જાળવવા પર પણ ક્રાઇમ કોન્ફરન્સમાં ભાર મૂકાયો હતો. રેલવે સ્ટેશન અને ટ્રેનમાં થતી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક માહિતી મળે અને તેના આધારે ઝડપી કાર્યવાહી થઈ શકે તે માટે સતત વોચ અને સંકલન જાળવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.


