કોઠારિયા સોલ્વન્ટ પાસેથી ઝડપાયેલા વિસ્ફોટક સામગ્રી કાંડમાં વધુ એકની ધરપકડ
હીરો ઉર્ફે હિરેન અલગોતર વિસ્ફોટકો મંગાવી ગેરકાયદેસર કુવા ખોદવાના કામમાં ઉપયોગ કરતો હોવાનો ખુલાસો; ક્રાઈમ બ્રાન્ચે સઘન પૂછપરછ શરૂ કરી
અગ્ર ગુજરાત, રાજકોટ
કોઠારિયા સોલ્વન્ટ નજીક રાજકોટ-ગોંડલ હાઈવે પરથી ગઈકાલે વિસ્ફોટકોના મોટા જથ્થા સાથે એક શખ્સ ઝડપાયા બાદ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે તપાસનો દોર આગળ ધપાવ્યો છે. આ મામલે પોલીસે વધુ એક આરોપી હીરો ઉર્ફે હિરેન અલગોતરની અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં હીરો ઉર્ફે હિરેન વિસ્ફોટકોનો જથ્થો મંગાવી તેનો ઉપયોગ ગેરકાયદેસર રીતે કુવા ખોદવાના કામમાં કરતો હોવાની વિગતો સામે આવી હોવાનું જાણવા મળે છે.
ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે રાજકોટ-ગોંડલ હાઈવે પર કોઠારિયા સોલ્વન્ટ નજીક શંકાસ્પદ બોલેરો પીકઅપને અટકાવી તેની તલાશી લીધી હતી. વાહનમાંથી બ્લાસ્ટિંગમાં ઉપયોગમાં લેવાતી 12 હજાર જેટલી જીલેટીન સ્ટીક, બ્લાસ્ટિંગ કેબલના 30 બંડલ તેમજ એક્સપ્લોઝિવ ડિટોનેટરનો જથ્થો મળી આવ્યો હતો. વિસ્ફોટક સામગ્રી મળી આવતા પોલીસ દ્વારા BDS અને FSLની ટીમને સ્થળ પર બોલાવી સામગ્રીની તપાસ કરાવવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે વાહનચાલક દોલા રઘુ મીરને ઝડપી લીધો હતો. 34 વર્ષીય દોલા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છતરીયાળા ગામનો વતની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની પૂછપરછ શરૂ કરતાં વિસ્ફોટકના જથ્થા સાથે સંકળાયેલા અન્ય શખ્સનું નામ સામે આવ્યું હતું.
દોલાની પૂછપરછમાં મળેલી કડીના આધારે ક્રાઈમ બ્રાન્ચે આજે હીરો ઉર્ફે હિરેન અલગોતરને ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં હીરો ઉર્ફે હિરેન વિસ્ફોટકોનો જથ્થો મંગાવતો અને તેનો ઉપયોગ ગેરકાયદેસર રીતે કુવા ખોદવા માટે કરતો હોવાની માહિતી મળી છે. જોકે, વિસ્ફોટક સામગ્રી ક્યાંથી મંગાવવામાં આવતી હતી, કોના મારફતે સપ્લાય થતી હતી અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે અંગે પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ગઈકાલની કાર્યવાહીમાં પોલીસે અંદાજે રૂ.5.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હવે બીજા આરોપીની ધરપકડ થતાં ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વિસ્ફોટક સપ્લાયની ચેઇન અને તેના ઉપયોગ અંગે વધુ મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા છે.


