અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાજકોટ શહેર સંગઠનની રચના
પત્રકારોમાં જાગૃતિ લાવવા ગુજરાતમાં અભિયાનનો પ્રારંભ
અગ્ર ગુજરાત, રાજકોટ
દેશના સૌથી મોટા પત્રકાર સંઘ ગણાતા એવા ‘અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (રજી.)’ – ABPSS દ્વારા રાજકોટ શહેર સંગઠનની વિધિવત રચના કરવામાં આવી છે. પત્રકારોના હિતોના રક્ષણ અને એકતાને વધુ મજબૂત બનાવવાના હેતુથી શહેર પ્રમુખ મેરુભા મોયા અને જિલ્લા પ્રભારી દિનેશ જાવિયા દ્વારા રાજકોટના તમામ પત્રકાર મિત્રોને આ સંગઠનમાં બહોળી સંખ્યામાં જોડાવા માટે ભાવભર્યું આહવાન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યમાં પત્રકારો નિર્ભિક અને સુરક્ષિત રીતે પોતાની ફરજ નિભાવી શકે તે હેતુથી રાજ્યમાં ‘પત્રકાર સુરક્ષા કાનૂન’ લાગુ થાય તે સમયની માંગ છે. આ કાયદો વહેલી તકે અમલમાં આવે તે માટે ABPSS દ્વારા સમગ્ર ગુજરાતમાં પત્રકારોમાં જાગૃતિ લાવવા માટે એક વિશેષ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કાલાવડિયાની કુશળ રાહબરી હેઠળ હાલમાં દેશના ૨૦ થી વધુ રાજ્યોમાં ૨૫,૦૦૦ થી પણ વધુ પત્રકારો ABPSS સાથે જોડાઈને પત્રકારોના હકો માટે અવાજ બુલંદ કરી રહ્યા છે.
દેશભરમાં પત્રકારો સાથે થઈ રહેલા દુર્વ્યવહાર, હુમલાઓ અને લોકશાહીના ચોથા સ્તંભનો અવાજ દબાવવા માટે તેમના પર કરવામાં આવતા ખોટા કાનૂની કેસોના વિરોધમાં ABPSS દ્વારા લડતના મંડાણ કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આગામી ૧ ડિસેમ્બરના રોજ દેશની રાજધાની દિલ્હીના જંતર-મંતર મેદાન ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા વિશાળ ‘મહા ધરણા પ્રદર્શન’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી પત્રકારો ઉમટી પડશે.
રાજકોટના પત્રકારોને પણ આ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશનો હિસ્સો બનવા અને પત્રકાર એકતાના પ્રતીક સમાન આ સંગઠન સાથે કદમ મિલાવવા અપીલ કરવામાં આવી છે. રાજકોટ શહેર સંગઠનમાં જોડાવા ઈચ્છુક પત્રકારોએ મેરુભા મોયા (શહેર પ્રમુખ): 98253 19198 અને દિનેશ જાવિયા (જિલ્લા પ્રભારી) 98981 88688નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.


