જાફરાબાદના કાગવદર ગામમાં TC પર ચડેલા દિપડાનું વીજશોકથી મોત
બાબરકોટ એનિમલ કેર સેનટર ખાતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક વીજ કરંટ લાગવાથી એક દીપડાનું મોત થયું છે. શિકારની શોધમાં ફરતો દીપડો PGVCLના ટ્રાન્સફોર્મર પર ચડ્યો હતો, જ્યાં વીજ કરંટ લાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું સામે આવ્યું છે.આ ઘટના માણસુરભાઈ વાઘની વાડી વિસ્તારમાં બની હતી. દીપડાના મૃતદેહ પર નજર પડતાં આસપાસના ખેડૂતો દ્વારા તાત્કાલિક વનવિભાગને જાણ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, કાગવદર ગામ નજીક ખેડૂતોને ટ્રાન્સફોર્મર પાસે દીપડો મૃત હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ તેમણે જાફરાબાદ વનવિભાગને ઘટનાની જાણ કરી હતી.માહિતી મળતા જ વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. RFO જિજ્ઞાશા ચેતરાણીયા સહિત ફોરેસ્ટ ગાર્ડ અને ટ્રેકર્સ ટીમે સ્થળની તપાસ કરી હતી.
દીપડાનું મોત વીજ કરંટથી થયું હોવાની માહિતી મળતાં PGVCLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. વનવિભાગ અને PGVCLની સંયુક્ત ટીમે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.ટ્રાન્સફોર્મર પર રહેલા દીપડાના મૃતદેહને સલામતીપૂર્વક નીચે ઉતારવામાં આવ્યો હતો.
ટ્રાન્સફોર્મર પરથી નીચે ઉતાર્યા બાદ દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.વનવિભાગ દ્વારા દીપડાના મોતનું ચોક્કસ કારણ અને ઘટનાની અન્ય વિગતો જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોત અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.
અમરેલી જિલ્લામાં સિંહો ઉપરાંત દીપડાની હાજરી પણ અનેક વિસ્તારોમાં જોવા મળે છે. જંગલ અને ગ્રામ્ય વિસ્તારોની આસપાસ દીપડાની અવરજવર વધતી હોવાના કારણે ખેડૂતો અને સ્થાનિકોમાં ચિંતા જોવા મળે છે.કાગવદર નજીક બનેલી આ ઘટનાએ વન્યજીવોની સુરક્ષા સાથે વીજ માળખાની આસપાસ તેમની અવરજવર અંગે પણ સવાલો ઉભા કર્યા છે. હવે વનવિભાગની તપાસમાં આ ઘટનાની અન્ય વિગતો સામે આવવાની શક્યતા છે.


