જેતપુરમાં જુગારના અડ્ડા પર LCBનો દરોડો: જુગાર રમતા ૬ ઝડપાયા
રોકડ સહિત રૂ.૨ લાખનો મુદામાલ જપ્ત કરાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા જુગાર જેવી અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે હાથ ઘરવામાં આવેલી ખાસ ઝુંબેશના ભાગરૂપે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે ચોક્કસ બાતમીના આધારે આકસ્મિક દરોડો પાડીને કુલ ૧,૩૨,૧૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ૬ શખ્સોને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર (IPS) દ્વારા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના અનુસંધાને, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત સક્રિય રહીને ફિલ્ડમાં પેટ્રોલીંગ કરી રહી હતી.
આ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. ભાવેશભાઈ ચાવડાને ખાનગી રાહે એવી ચોક્કસ હકીકત મળી હતી કે, જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા નવાગઢના ગઢની રાંગ વિસ્તારમાં, વિવેકાનંદ સોસાયટીમાં આશિષભાઈ ધાધલના ઘરની પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં કેટલાક ઈસમો ભેગા થઈને જાહેરમાં ગંજીપતા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે.
આ બાતમી મળતા જ ત્વરિત કાર્યવાહી કરીને એલ.સી.બી.ની ટીમે સ્થળ પર દરોડો પાડયો હતો. રેઈડ દરમિયાન પોલીસે સ્થળ પરથી જુગાર રમતા આશિષભાઈ ભીખુભાઈ ધાધલ, શૈલેષભાઈ અરજણભાઈ ટોળીયા, જીકાભાઈ રાઘવભાઈ ડાભી, પ્રવીણભાઈ ભીમજીભાઈ ચાવડા, વીજયભાઈ મનજીભાઈ મુળીયા અને ગાંડુભાઈ ગીરધરભાઈ સાવલીયાને ઝડપી લીધા હતા.
પોલીસની તપાસમાં આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. ૧,૦૧,૧૦૦ અને ૫ અલગ-અલગ કંપનીના મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. ૩૧,૦૦૦ થાય છે. આમ, કુલ ૧,૩૨,૧૦૦ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, પકડાયેલા આરોપીઓ પૈકી શૈલેષભાઈ ટોળીયા વિરુદ્ધ અગાઉ પણ જેતપુર સિટી, જેતપુર તાલુકા, જેતપુર ઉધોગનગર પોલીસ, ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં જુગારધારા અને પ્રોહીબિશનના ૫ ગુના નોંધાઈ ચૂક્યા છે. અને પ્રવીણભાઈ ચાવડા વિરુદ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા ૩ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.


