રાજકોટ એસ.ટી. બસપોર્ટમાં વોલ્વો વેઇટિંગ રૂમ વહેલો બંધ થવા મામલે ‘સ્વાગત’ કાર્યક્રમમાં ફરિયાદ
વિભાગીય નિયામક એમ.પી.રાજે લેખિત રજૂઆત કચરાપેટીમાં પધરાવતા સામાજિક આગેવાન ચંદ્રેશભાઈ રાઠોડે CM સમક્ષ લગાવી ગુહાર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ એસ.ટી. બસપોર્ટ પર આવેલા વોલ્વો ડેપો અને વેઇટિંગ રૂમમાં ચાલતી ગેરરીતિઓ તથા મુસાફરોને પડતી હાલાકી મુદ્દે સામાજિક આગેવાન ચંદ્રેશભાઈ રાઠોડે મોરચો માંડ્યો છે. વિભાગીય નિયામક (Divisional Controller) એમ.પી. રાજને અગાઉ કરાયેલી લેખિત અરજી તુમારશાહીનો ભોગ બનતાં, આખરે ઓગસ્ટ ૨૦૨૬ના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા ‘મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ’માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વોલ્વો વેઇટિંગ રૂમ અને એડવાન્સ બુકિંગ રૂમનો સત્તાવાર સમય સવારે ૫:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધીનો દર્શાવવામાં આવ્યો છે, છતાં કર્મચારીઓ નિયત સમય કરતાં એકથી દોઢ કલાક વહેલા તાળાં મારીને ચાલી જાય છે. પરિણામે, એસીનું મોંઘું ભાડું ચૂકવતા મુસાફરોને પંખા વગર પ્લેટફોર્મ પર કે જમીન પર બેસવાની નોબત આવે છે. સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં મોડી રાત સુધી મુસાફરોની અવરજવર રહેતી હોવા છતાં લોકલ કરતાં પણ બદતર સુવિધાઓ અપાતી હોવાનો આક્ષેપ કરાયો છે.
આ મુદ્દે ગત ૧૫ જુલાઈ ૨૦૨૬ના રોજ સામાજિક આગેવાન દ્વારા એસ.ટી.ના વિભાગીય નિયામક એમ.પી. રાજને લેખિત રજૂઆત કરી વોલ્વો ડેપો રાત્રે ૨:૦૦ વાગ્યા સુધી ખુલ્લો રાખવા, સમયપત્રક લગાવવા, ૨૪ કલાકનો ઇન્ક્વાયરી નંબર શરૂ કરવા અને છેલ્લા છ માસના સીસીટીવી ફૂટેજ મેળવી ગુટલીબાજ કર્મચારીઓ સામે પગલાં ભરવા માગ કરાઈ હતી. જોકે, ૨૫ દિવસ વીતી જવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં અને નવ વાગ્યે જ રૂમ બંધ થઈ જતાં મુસાફરોમાં રોષ વ્યાપ્યો છે. સામાજિક આગેવાને અધિકારી પર સસ્તી પ્રસિદ્ધિ ખાટવાનો અને અરજીઓ કચરાપેટીમાં નાખવાનો આક્ષેપ કરી, ‘સ્વાગત’ કાર્યક્રમ મારફતે કડક તપાસની માગ દોહરાવી છે.


