રાજકોટમાં ફરી એકવાર ભજવાશે ‘હું આત્મકથા છું’
INTACH ચેપ્ટર દ્વારા તા.૨૦મીએ હેમુ ગઢવી હોલ ખાતે ૨૦૧૮ના પ્રયોગનું નવા સ્વરૂપે પુનઃમંચન
અગ્ર ગુજરાત, રાજકોટ
વારસો માત્ર ઇમારતો, સ્મારકો અને ઐતિહાસિક સ્થળોમાં જ નથી વસતો; ભાષા, સાહિત્ય, સ્મૃતિ અને સર્જનાત્મક અભિવ્યક્તિઓ પણ આપણા સાંસ્કૃતિક વારસાનો અભિન્ન હિસ્સો છે. ગુજરાતી સાહિત્યિક વારસાની એક અનોખી અને જીવંત નાટ્યાત્મક રજૂઆતના પ્રયાસરૂપે INTACH રાજકોટ ચેપ્ટર દ્વારા આગામી ૨૦ ઓગસ્ટે હેમુ ગઢવી હોલ ખાતે ‘હું આત્મકથા છું…’ નાટ્યપ્રયોગનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવેશ વિનામૂલ્યે રહેશે, પરંતુ પૂર્વ રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે.
ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા લખાઈ તેને ૧૫૦ વર્ષ પૂર્ણ થયાં તે નિમિત્તે ૨૦૧૮માં રાજકોટના જ કેટલાક કલાકારોએ ‘હું આત્મકથા છું’ નાટ્યપ્રયોગનું સર્જન કર્યું હતું. પ્રાયોગિક ધોરણે તૈયાર થયેલો આ પ્રયોગ ત્યારબાદ ભાવનગર, ભરૂચ અને ગાંધીનગર સહિતનાં શહેરોમાં રજૂ થયો હતો અને તેને સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે આ નાટ્યપ્રયોગ નવા સ્વરૂપ, નવા સેટ, નવી દૃશ્યરચના અને એક નવા પાત્ર સાથે ફરી પ્રેક્ષકો સમક્ષ આવી રહ્યો છે.
‘હું આત્મકથા છું’માં આત્મકથા પોતે એક પાત્ર બનીને મંચ પર આવે છે અને પોતાની જ સફરની વાત કરે છે. વિશ્વના વિવિધ સાહિત્યમાં આત્મકથાને કયા સર્જકોએ અને કયા સ્વરૂપે આલેખી, ત્યારબાદ ગુજરાતી ભાષામાં નર્મદની કલમ દ્વારા આત્મકથાનું આગમન કેવી રીતે થયું અને છેલ્લા ૧૫૦ વર્ષમાં આત્મકથાએ કેટલાં પરિવર્તનો અનુભવ્યાં—આ સમગ્ર સફર નાટ્યપ્રયોગમાં આત્મકથાના પાત્ર દ્વારા વચ્ચે વચ્ચે રજૂ થાય છે.
નાટકની વિશેષતા એ છે કે ગુજરાતી ભાષાની પાંચ મહત્ત્વની આત્મકથાઓના અંશોનું નાટ્યરૂપાંતર કરવામાં આવ્યું છે. નર્મદ, મણિલાલ નભુભાઈ, મહાત્મા ગાંધી, કનૈયાલાલ મુનશી અને ચંદ્રકાન્ત બક્ષીનાં પાત્રો મંચ પર આવે છે અને તેમની આત્મકથાઓમાંથી પસંદ કરાયેલા સંવાદો અને પ્રસંગો જીવંત બને છે. આ વખતની રજૂઆતમાં એક નવા પાત્રનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે ૨૦ ઓગસ્ટના શોમાં પ્રથમવાર જોવા મળશે. આમ, આ રજૂઆતમાં ગુજરાતી ભાષાની કુલ છ આત્મકથાઓના અંશો નાટ્યરૂપે રજૂ થશે.
આ સમગ્ર પ્રયોગમાં ૧૫થી વધુ કલાકારો અને કસબીઓ જોડાયેલા છે. દરેક આત્મકથાના સમય અને ભાવવિશ્વને અનુરૂપ સંગીત, ગીત, લાઇટિંગ અને સેટ ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વખતની રજૂઆત માટે ખાસ નવો સેટ અને નવું દૃશ્યરૂપ તૈયાર કરવામાં આવ્યું છે.
‘હું આત્મકથા છું’ના લેખક જ્વલંત છાયા છે, જેઓ હાલમાં ફૂલછાબ દૈનિકના તંત્રી છે. જાણીતા ફિલ્મ દિગ્દર્શક રક્ષિત વસાવડાએ નાટકનું દિગ્દર્શન કર્યું છે. જાણીતા સંગીતકાર પ્રહર વોરાએ સંગીત આપ્યું છે. નિર્માણ અને અન્ય વિવિધ જવાબદારીઓ બિરદ છાયા સંભાળી રહ્યા છે, જ્યારે જલ્પા છાયા સહ-નિર્માતા તરીકે જોડાયા છે.
નાટક જોવા માટે ૭૮૫૯૯ ૩૩૭૯૧ પર રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. પ્રવેશ વિનામૂલ્યે રહેશે અને રજીસ્ટ્રેશન બાદ વહેલા તે પહેલાના ધોરણે પાસનું વિતરણ કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા અનુસાર આમંત્રિત મહેમાનો માટે બેઠક વ્યવસ્થા અલગ રાખવામાં આવશે.


