રાજકોટમાં ‘રોયલ એકેડેમી ઈન્ડિયા’ દ્વારા તા. ૧૬ ઓગસ્ટે ૭૭મો લાઈવ ગ્રાન્ડ શો યોજાશે
સ્વ.સરયુબેન શેઠની સ્મૃતિમાં હેમુ ગઢવી હોલ ખાતે પ્લેટીનમ જ્યુબિલિ કાર્યક્રમ : ૭૭ લકી ડ્રો સાથે ૪૫ સિંગર્સ રજૂ કરશે સંગીતની સૂરમય મહેફિલ
અગ્ર ગુજરાત, રાજકોટ
સંગીત ક્ષેત્રે નવા કલાકારોને પ્રોત્સાહિત કરતી અને સામાજિક-આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર ‘રોયલ એકેડેમી ઈન્ડિયા’ દ્વારા સ્વ. સરયુબેન ચંદ્રકાન્તભાઈ શેઠની સ્મૃતિમાં આગામી રવિવાર, તા. ૧૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ હેમુ ગઢવી મોટા હોલ ખાતે ૭૭મો ભવ્ય ‘પ્લેટીનમ જ્યુબિલિ લાઈવ ગ્રાન્ડ શો’ યોજાશે. આ પ્રસંગે ૭૭મો કાર્યક્રમ હોવાથી ખાસ ૭૭ લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમનો પ્રારંભ પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને મેયર ડો. નેહલભાઈ શુક્લના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવશે. આ શોનું સંચાલન એન્કર મેહુલભાઈ રવાણી કરશે, જ્યારે તુષારભાઈ ગોસાઈ અને તેમની ઓરકેસ્ટ્રા ટુકડી સંગીતની રમઝટ બોલાવશે. ૪૫ જેટલા ગાયક કલાકારો નવા અને જૂના લોકપ્રિય ગીતોની અવિરત પ્રસ્તુતિ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે.
૫૫૫થી વધુ સિંગર્સ સભ્યો ધરાવતી ‘રોયલ એકેડેમી ઈન્ડિયા’ એક નોન-કોમર્શિયલ સંસ્થા છે, જે ઉભરતા કલાકારોને વિનામૂલ્યે પ્લેટફોર્મ અને હોલની સુવિધા પૂરી પાડે છે. ચંદ્રકાન્તભાઈ શેઠ અને એકેડેમીની ટીમે રાજકોટની સંગીતપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.
સંગીત રસિકો માટે પ્રવેશ ‘વહેલા તે પહેલા’ના ધોરણે ફ્રી રહેશે, પરંતુ હોલમાં પ્રવેશ માટે મફત આમંત્રણ પત્રિકા મેળવવી ફરજિયાત છે. આ પત્રિકા બુધવાર, ગુરુવાર અને શુક્રવારે સાંજે ૬:૦૦ થી ૮:૦૦ વાગ્યા દરમિયાન સ્મોલ મ્યુઝિક રૂમ (ગ્રાઉન્ડ ફ્લોર, સિલ્વર હાઈટ્સ, નાના મવા સર્કલ) ખાતેથી મેળવી શકાશે. ડાયરેક્ટર અલ્કાબેન શેઠ, સોનાબેન શાહ, નયનાબેન મોદી, ફાલ્ગુનીબેન મહેતા અને સોનલબેન ચાવડાએ સંગીતપ્રેમીઓને વહેલાસર કાર્ડ મેળવી લેવા અનુરોધ કર્યો છે.
ઉપરોકત કાર્યક્રમ અંગેની માહિતી આપવા આજરોજ ‘અગ્ર ગુજરાત’ના કાર્યાલયે પધારેલા ચંદ્રેશ કોઠારી, ચેતન ત્રિવેદી, કિરીટભાઇ વ્યાસ, કનુભાઇ વાઘેલા, વિમલ દેસાઇ, મૂકેશભાઇ ઠક્કર, રવીભાઇ મહેતા, ક્ષીતિજભાઇ માત્રાવાડીયા સહિતના હાજર રહ્યા હતાં.


