રાજકોટના શ્રોફ રોડ પર ૭ દિવસીય ભવ્ય ‘રાખી મેળા’નો પ્રારંભ
રક્ષાબંધન પર્વ નિમિત્તે વિવિધ પ્રકારની આકર્ષક રાખડીઓનું પ્રદર્શન અને વેચાણ; ગુજરાત રાજ્ય મહિલા અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિશેષ આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
પવિત્ર રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજકોટવાસીઓ માટે ખાસ ‘રાખી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય મહિલા અને આર્થિક વિકાસ નિગમ દ્વારા રાજકોટના શ્રોફ રોડ ખાતે ૭ દિવસીય ભવ્ય ‘રાખી મેળા’નો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક મહિલા કારીગરોની હસ્તકળા અને કૌશલ્યને પ્રોત્સાહન આપી તેમને યોગ્ય આર્થિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
આ ૭ દિવસીય રાખડી મેળામાં ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિ અને વૈવિધ્યસભર કલા-કારીગરીને ઉજાગર કરતી અવનવી રાખડીઓનું પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવ્યું છે.
હાથબનાવટની ફેન્સી રાખડીઓ, રેશમી દોરા, મોતી, કુંદન, ઈકો-ફ્રેન્ડલી અને વિવિધ પરંપરાગત ડીઝાઈન ધરાવતી આકર્ષક રાખડીઓ. સ્વસહાય જૂથો અને મહિલા કારીગરો દ્વારા સ્વહસ્તે તૈયાર કરાયેલી વસ્તુઓનું સીધું વેચાણ. મહિલાઓના આત્મનિર્ભરતાના સ્વપ્નને સાકાર કરવા માટે આ પ્રદર્શન ખૂબ મહત્વનું સાબિત થશે.
ગુજરાત રાજ્ય મહિલા અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આયોજિત આ મેળામાં રાજકોટ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો છે. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે શહેરીજનો સ્થાનિક મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીઓની ખરીદી કરી ‘વોકલ ફોર લોકલ’ના અભિયાનને વેગ આપે અને મહિલા આત્મનિર્ભરતામાં સહભાગી બને તે માટે આયોજકો દ્વારા પ્રોત્સાહક અપીલ કરવામાં આવી છે.


