દસ્તાવેજો લઈ લોન કરવાના બહાને ઓફિસનો જ ખોટો ભાડા કરાર બનાવી દીધો
ઉનાના દંપતીની ઓફિસના દસ્તાવેજ, ફોટા અને આધારકાર્ડનો કથિત દુરુપયોગ : મેશન ક્લબના ડિરેક્ટર સહિત ત્રણ સામે ફરિયાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની મેશન ક્લબ કો.ઓ. હાઉસિંગ સોસાયટી સાથે સંકળાયેલા પરાગ સોલંકીનું વધુ એક કથિત કારસ્તાન પોલીસ ચોપડે નોંધાયું છે. ઉનાના દંપતીની માલિકીની ઓફિસ ઉપર લોન અપાવવાના બહાને દસ્તાવેજો, ફોટા અને આધારકાર્ડની નકલો મેળવી તેનો કથિત દુરુપયોગ કરી ઓફિસનો જ ખોટો ભાડા કરાર બનાવી દેવામાં આવ્યો હોવાની ફરિયાદના આધારે એ.ડિવિઝન પોલીસે પરાગ સોલંકી સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઉના-વેરાવળ રોડ પર અશોકનગરમાં રહેતાં 35 વર્ષીય દિવ્યાબેન ચાંદોરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના નામે ઉના-ભાવનગર રોડ પર બાલાજી ચેમ્બર્સમાં પ્રથમ માળે આવેલી ઓફિસ છે. આશરે છ-સાત વર્ષ પહેલાં ખરીદેલી આ મિલકતમાં તેમના પતિ અખબારમાં પ્રેસ રિપોર્ટર તરીકે કામ કરે છે. આ ઓફિસ ઉપર લોન લેવાની જરૂરિયાત ઊભી થતાં મેશન ક્લબમાંથી લોન મેળવવા માટે તેમના પતિ રાજકોટ આવ્યા હતા.
સપ્ટેમ્બર 2025માં મેશન ક્લબ ખાતે તેમના પતિની સંસ્થાના ડિરેક્ટર પરાગ સોલંકી અને ત્યાં નોકરી કરતા નિશાંત દવે સાથે લોન અંગે વાતચીત થઈ હતી. પત્ની ગર્ભવતી હોવાથી રાજકોટ આવી શકે તેમ નહીં હોવાનું જણાવતાં બંનેએ લોન પ્રક્રિયા માટે ઓફિસના દસ્તાવેજોની નકલ, પત્નીના ફોટા અને આધારકાર્ડની નકલો આપવા જણાવ્યું હતું. લોન થઈ જશે તેવી ખાતરી મળતાં દસ્તાવેજો નિશાંત દવેને સોંપવામાં આવ્યા હતા.
જોકે, ત્યારબાદ લોન અંગે વારંવાર પૂછપરછ કરવા છતાં કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહોતો. ફોન કરવાથી વાયદાઓ કરવામાં આવતા અને બાદમાં ફરિયાદીના પતિનો મોબાઇલ નંબર બ્લેકલિસ્ટ કરી દેવાયો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે એપ્રિલ 2026માં હિતેષ નિમાવત નામનો વ્યક્તિ ઉનામાં દંપતીની ઓફિસે પહોંચ્યો હતો. તેણે મેશન ક્લબ મંડળીનું સ્ટેટમેન્ટ કાઢવા અંગે વાત કરી અને પોતાના મોબાઇલમાં મેશન ક્લબ દ્વારા કરવામાં આવેલી કોર્ટ કાર્યવાહી સંબંધિત દસ્તાવેજ બતાવ્યો હતો. તેમાં સરનામા તરીકે દંપતીની ઓફિસનું સરનામું દર્શાવાયું હોવાનું સામે આવ્યું હતું.
આ બાબતે વધુ તપાસ કરતાં કથિત રીતે અલગ-અલગ વ્યક્તિઓએ મેશન ક્લબમાંથી લોન લીધી હોવાનું અને તેના દસ્તાવેજોમાં દંપતીની ઓફિસનું સરનામું મંડળીના સરનામા તરીકે દર્શાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ વકીલ મારફતે તપાસ કરાવતાં મામલો વધુ ગંભીર હોવાનું સામે આવ્યું હતું.
ફરિયાદીના પતિએ 29 એપ્રિલે રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં અરજી કર્યા બાદ વધુ તપાસમાં તેમની ઓફિસનો ભાડા કરાર રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાની કચેરીમાં હોવાની માહિતી મળી હતી. આરોપ છે કે, લોન માટે આપવામાં આવેલા મૂળ દસ્તાવેજોની નકલ, ફોટા અને આધારકાર્ડનો ઉપયોગ કરીને મેશન ક્લબ તરફથી મોન્ટુ ટાંકના નામે ઓફિસનો ખોટો ભાડા કરાર તૈયાર કરવામાં આવ્યો હતો. આ કરાર રાજકોટ જૂની કોર્ટ સામેની નોટરી કચેરીમાં નોંધાવી તેનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ છે.
આ સમગ્ર મામલે એ.ડિવિઝન પોલીસે મેશન ક્લબના ડિરેક્ટર પરાગ સોલંકી, કર્મચારી નિશાંત દવે અને મોન્ટુ વિનોદ ટાંક સામે ગુનો નોંધી દસ્તાવેજોના ઉપયોગ, ભાડા કરારની હકીકત અને સમગ્ર કથિત કાવતરામાં કોની ભૂમિકા હતી તે અંગે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મેશન ક્લબમાં નોકરી કરતી યુવતીએ પરાગ સોલંકી સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી. ગાંધીગ્રામ પોલીસે કરેલી તપાસમાં યુવતીને મકાનના ભાડા કરારના બહાને બોલાવી મૈત્રી કરારની સહીઓ કરાવી બાદમાં અલગ-અલગ સ્થળે લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકી આપ્યાના આક્ષેપો સામે આવ્યા હતા. હવે દસ્તાવેજોના કથિત દુરુપયોગનો વધુ એક મામલો પોલીસ ચોપડે આવતા મેશન ક્લબ ફરી ચર્ચામાં આવી છે.


