કણસાગરા મહિલા કોલેજમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ગંભીરતાપૂર્વક ઉજવણી
૧૯૪૭ના વિભાજનની માનવવેદના અને સંઘર્ષને કરાઈ યાદ; વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતા અને સામાજિક સૌહાર્દ મજબૂત કરવા ઓનલાઈન ક્વિઝનું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરની કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજ ખાતે ૧૪ ઓગસ્ટના રોજ ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૯૪૭ના ભારત-પાકિસ્તાન વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા કરોડો નિર્દોષ લોકો, વિસ્થાપિત થયેલા લાખો કુટુંબોની અસહ્ય વેદના અને સંઘર્ષને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને વિભાજન સમયની માનવવેદના, જાનહાનિ અને સામાજિક અશાંતિ વિશે ઊંડાણપૂર્વક માહિતગાર કરવામાં આવ્યા હતા. પોતાના ઘર-વતન અને સ્વજનો ગુમાવ્યા છતાં શૂન્યમાંથી સર્જન કરી ફરી બેઠા થનારા લોકોની સ્થિતિસ્થાપકતા અને અદમ્ય હિંમતને બિરદાવવામાં આવી હતી.
વિદ્યાર્થીઓમાં આ વિષય પ્રત્યે ઐતિહાસિક જાગૃતિ વધે તે અર્થે ઓનલાઈન ક્વિઝ યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ૧૯૪૭ના વિભાજનની પૃષ્ઠભૂમિ, તેની માનવીય અસરો અને રાષ્ટ્રીય એકતાને લગતા પોતાના જ્ઞાનનું મૂલ્યાંકન કર્યું હતું.
કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સ્નેહલ પલાણે વિદ્યાર્થીઓને પ્રેરક સંબોધન કરતાં જણાવ્યું હતું કે, “ઇતિહાસનું સ્મરણ માત્ર ભૂતકાળને યાદ રાખવા પૂરતું સીમિત નથી, પરંતુ ભવિષ્યમાં આવી કરુણ અને માનવતાને શરમાવતી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવા માટે અત્યંત જરૂરી છે.”
કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રો. રાજેન્દ્ર સેજલીયા તથા મેઘામેડમે માર્ગદર્શકની ભૂમિકા ભજવી હતી. તેમણે ભૂતકાળમાંથી બોધપાઠ મેળવી દેશમાં શાંતિ, પરસ્પર સહઅસ્તિત્વ અને ભાઈચારો જાળવવાની આજની યુવા પેઢીની જવાબદારી પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે કોલેજના તમામ અધ્યાપકગણ, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી વિભાજનના પીડિતોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.


