રાજકોટ જીવનનગરમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી
વિજ્ઞાન જાથા અને જીવનનગર સમિતિના સંયુક્ત ઉપક્રમે ધ્વજવંદન, રાષ્ટ્રીય એકતા રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારત જન વિજ્ઞાન જાથા (રાજ્ય કચેરી), જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક પર્વ, મહાદેવધામ સમિતિ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે રાજકોટના જીવનનગરમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજમાર્ગો પર દેશપ્રેમના સૂત્રોચ્ચાર સાથે નીકળેલી રાષ્ટ્રીય એકતા રેલી, ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ રહીશોનું ધ્યાન ખેંચ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકાના પ્લાનિંગ સમિતિના પૂર્વ ચેરમેન ચેતનભાઈ સુરેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમણે લોકોને વિકાસશીલ કાર્યોમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. પૂર્વ કોર્પોરેટર નિરૂભા વાઘેલાએ સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાન અને સરકારી યોજનાઓની માહિતી આપી હતી. સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે જીવનનગરના રહીશો છેલ્લા ૪૫ વર્ષથી અવિરત અને આન-બાન-શાનથી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરે છે, જે રહીશોની એકતાનું પ્રતિક છે. અનિલ જ્ઞાન મંદિર તેમજ સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલના છાત્રોએ વેશભૂષા, શૌર્ય ગીત અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સમગ્ર માહોલને દેશભક્તિસભર બનાવ્યો હતો. આ પ્રસંગે વોર્ડ પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, શહેર ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા


