રાજકોટ દૂધ સંઘ દ્વારા ૫૨,૮૧૨ પશુપાલકોના ખાતામાં રૂ.૭૫ કરોડના અંતિમ દૂધ ભાવની ચૂકવણી
પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ; ‘સહકારથી સમૃદ્ધિ’ મંત્ર સાથે સહકારી માળખું વધુ સશક્ત બન્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
૧૫ ઓગસ્ટના રોજ રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અંતિમ દૂધ ભાવ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ‘સહકારથી સમૃદ્ધિ’ પ્રોજેક્ટ હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ના નફામાંથી ૫૨,૮૧૨ પશુપાલકોના બેન્ક ખાતામાં પ્રતિ કિલોગ્રામ પેટે રૂ. ૮૪ લેખે કુલ રૂ. ૭૫ કરોડની રકમ ડિજિટલી જમા કરવામાં આવી હતી.
મંત્રી જીતુભાઈ વાઘાણીએ પશુપાલન અને કૃષિ ક્ષેત્રે સરકારના પ્રયાસો રેખાંકિત કર્યા હતા તથા રાજકોટને બાયો સી.એન.જી. પ્લાન્ટ માટે જમીન અને સહાય પૂરી પાડવાની ખાતરી આપી હતી. સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાએ ભાવ તફાવતની સમજ આપતાં જણાવ્યું કે ડેરીના નફાની રકમ પશુપાલકોને પરત આપવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે ગામડાંની સહકારી મંડળીઓને હવે રેશનિંગ, ગેસ વિતરણ અને સરકારી લાયસન્સિંગ જેવી પ્રક્રિયાઓ સાથે પણ જોડવામાં આવશે.
ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું કે પારદર્શક વહીવટના કારણે રાજકોટ ડેરીએ રૂ. ૯૦ કરોડનો ઐતિહાસિક નફો નોંધાવ્યો છે, જ્યાં દૈનિક ૪.૫૦ લાખ લીટર દૂધની આવક થાય છે. વિવાંતા પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સૌથી વધુ ભાવફેર મેળવનારી ૧૯ દૂધ મંડળીઓ અને ૧૪ આદર્શ દૂધ ઉત્પાદકોને ગાયની પ્રતિમા, શાલ અને ચેક અર્પણ કરી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.


