માંગરોળની ધી બયતુલમાલ ઈસ્લામી કન્યા શાળામાં સ્વાતંત્ર્ય દિન અને વાર્ષિક ઈનામ વિતરણ યોજાયું
સેક્રેટરી હાફીઝ આહમદ હાજીબાના હસ્તે ધ્વજવંદન; “દીકરીઓ, આખું મુસ્લિમ સમાજ તમારું પ્રતિબિંબ છે, મા-બાપનો ભરોસો ન તોડશો” – રાબિયા આરબ
અગ્ર ગુજરાત, માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે છેલ્લા ૯૯ વર્ષથી કાર્યરત ‘ધી માંગરોળ બયતુલમાલ ફંડ’ દ્વારા સંચાલિત સંપૂર્ણ મહિલા સ્ટાફ ધરાવતી ધી બયતુલમાલ ઈસ્લામી કન્યા શાળામાં ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સંસ્થાના જનરલ સેક્રેટરી હાફીઝ આહમદ હાજીબા દ્વારા ધ્વજવંદન સંપન્ન કરાયું હતું.
શાળાની વિદ્યાર્થીનીઓએ કિરાત, દેશભક્તિ ગીતો અને નાટક રજૂ કર્યા હતા. ગત શૈક્ષણિક વર્ષમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. તેમણે સંસ્થાની કામગીરી બિરદાવતા દીકરીઓને સાદગી અપનાવવા અને મોબાઈલ-સોશિયલ મીડિયાની બૂરાઈઓથી દૂર રહેવા ટકોર કરી હતી. તેમણે ઉમેર્યું કે સફળતા માટે અવિરત મહેનત જરૂરી છે અને દીકરીઓએ ક્યારેય માતા-પિતાનો ભરોસો તોડવો જોઈએ નહીં.
આરોગ્ય અને શિક્ષણ અંગે ડો. માલાબેન ગઢવીની સલાહ: ગાયનેક ડોક્ટર માલાબેન ગઢવીએ જંકફૂડ છોડી ઘરેલું પૌષ્ટિક આહાર લેવા હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે શિક્ષણ ભવિષ્યના પડકારો સામે સાચો રસ્તો બતાવશે.
આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ મુનાફભાઈ મેમણ, શિક્ષણ સમિતિના ચેરમેન ઈબ્રાહીમભાઈ પડાયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન શાળાની શિક્ષિકાઓ દ્વારા કરાયું હતું, જેમાં આચાર્ય હસન સાહેબ ભિસ્તી અને સ્ટાફે બહોળું યોગદાન આપ્યું હતું.


