CMની સુચનાની અમલવારી! વોર્ડ નં.૧૫માં આજી ડેમ નજીક સીસીરોડની કામગીરી શરૂ
ધારાસભ્ય કાનગડ અને સાંસદ રૂપાલાની ગ્રાન્ટમાંથી ૭૪.૨૯ લાખના ખર્ચે ત્રણ કામો કરાશે: ખાતમુહૂર્ત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર, વિધાનસભા-68ના વોર્ડ નં. 15માં નાગરિકોને વધુ સારી અને સુવિધાસભર માળખાકીય સુવિધાઓ મળી રહે તે હેતુથી સાંસદ શ્રી પરષોત્તમભાઈ રૂપાલાની ગ્રાન્ટ તેમજ ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડની ગ્રાન્ટમાંથી અંદાજે રૂ. 74 લાખ 29 હજારના ખર્ચે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વોર્ડ નં. 15ના વિવિધ વિસ્તારોમાં જરૂરી પાયાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે હાથ ધરવામાં આવનાર વિકાસકામોની શરૂઆત કરવામાં આવી હતી.
આ તકે ધારાસભ્ય ઉદય કાનગડની ગ્રાન્ટમાંથી આજી ડેમ પાછળ આવેલા દાધા હનુમાન મંદિર પાસે સીસી રોડના કામનું ખાતમુહૂર્ત ઉપરાંત ખોડિયારપરા વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટર્સમાં પેવિંગ બ્લોક ફિટિંગના કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ બંને કામો પૂર્ણ થયા બાદ સ્થાનિક રહેવાસીઓને આવાગમન તેમજ રસ્તા અને આસપાસના વિસ્તારની સુવિધાઓમાં નોંધપાત્ર લાભ મળશે.
તેમજ સાંસદ શ્રી પરષોત્તમભાઈ રૂપાલાની ગ્રાન્ટમાંથી મહાકાળી ચોક, ગંજીવાડા ખાતે પેવિંગ બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામથી વિસ્તારના નાગરિકોને સુગમ અવરજવર સાથે વધુ સુવિધાયુક્ત અને વ્યવસ્થિત જાહેર માળખું ઉપલબ્ધ થશે.
આ તકે સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવેલ કે ભાજપના શાસનમાં રાજકોટ શહેરમાં વિકાસકામોને અભૂતપૂર્વ ગતિ મળી છે અને જનસુવિધાઓ સતત વિસ્તરી રહી છે. સરકાર, મહાનગરપાલિકા અને જનપ્રતિનિધિઓના સંકલિત પ્રયાસોથી વોર્ડ નં. 15 પણ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે.” “રાજકોટના દરેક વોર્ડમાં સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત વિકાસકામો થાય તે અમારી પ્રાથમિકતા છે. વોર્ડ નં. 15માં હાથ ધરાયેલા આ કામોથી સ્થાનિક નાગરિકોને રોજિંદા જીવનમાં સીધો લાભ મળશે.”
આ તકે કોર્પોરેટર નિલેશભાઈ હેરભાએ જણાવેલ કે “વોર્ડ નં. 15ના નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ વિકાસકામોને પ્રાથમિકતા આપવામાં આવી છે. રસ્તા અને પેવિંગ બ્લોક સહિતના કામોથી વિસ્તાર વધુ સુવિધાયુક્ત, સ્વચ્છ અને વ્યવસ્થિત બનશે.” “ભાજપના જનપ્રતિનિધિઓની જનસેવાની ભાવનાથી વોર્ડ નં. 15માં લાંબા સમયથી જરૂરી એવા વિકાસકામો સાકાર થઈ રહ્યા છે. નાગરિકોની અપેક્ષાઓ પૂર્ણ કરવી એ જ ભાજપની સાચી વિકાસની રાજનીતિ છે.”


