જૂથવાદ અને બળવાની આશંકાએ છેલ્લી ઘડીએ રણનીતિમાં બદલાવ
રા.લો.સંઘની ચૂંટણીમાં ઇચ્છુકોને ફોર્મ ભરવાની છુટ : પ્રક્રિયા શરૂ
ગાંધીનગર સુધી ચેરમેન અને ડિરેકટર પદ માટે થયેલું લોબીંગ : પક્ષના આદેશ મુજબ જ ચૂંટણી લડવાનું ગાણુ ગાતા અગ્રણીઓ
નરેન્દ્રસિંહ જાડેજા, બાબુ નસીત, અરવિંદ રૈયાણી અને નીતિન ઢાંકેચા ફરી મેદાનમાં : ચૂંટણીમાં રાજકીય ગરમાવો
અગ્ર ગુજરાત, રાજકોટ
સહકારી ક્ષેત્રે અગ્રણી સ્થાન ધરાવતા અને જેની પર સમગ્ર જિલ્લા તેમજ રાજ્યભરના સહકારી સંઘની નજર મંડાયેલી છે, તેવા રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણી સંદર્ભે આજથી રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજથી ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી વિવિધ દાવેદારો દ્વારા પોતાના ફોર્મ જમા કરાવવામાં આવ્યા હતા.
સંઘની ચૂંટણી અંગે માહિતી આપતા પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તમામ ઉમેદવારો પક્ષના આદેશ મુજબ જ ચૂંટણી લડશે. પાર્ટી દ્વારા ઉમેદવારો માટે ‘સેન્સ’ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તે જ મુજબ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. પક્ષ દ્વારા તમામની સેન્સ લેવાઈ ચૂકી છે અને સહકારી આગેવાનોએ પણ પાર્ટીના આદેશને અનુસરીને જ ચૂંટણી પ્રક્રિયા કરવાની ખાતરી આપી છે.
રાજકોટ-લોધિકા સંઘની આ પ્રતિષ્ઠિત ચૂંટણીમાં મુખ્યત્વે નીચે મુજબના દિગ્ગજ આગેવાનો ચૂંટણી મેદાને ઉતરશે. જેમાં નરેન્દ્રસિંહ જાડેજા, બાબુભાઇ નસીત, અરવિંદભાઈ રૈયાણી, નીતિનભાઈ ઢાકેચાનો સમાવેશ થાય છે.
રાજકોટ-લોધિકા સંઘનું કદ અને વ્યાપ જોતા આગામી દિવસોમાં આ ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
‘રાજકોટ-લોધિકા ખરીદ-વેચાણ સંઘ’ની ચૂંટણીમાં હાલ ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચેરમેન અને ડિરેક્ટર પદ મેળવવા માટે છેક ગાંધીનગર સુધી ભારે લોબિંગ ચાલી રહ્યું છે, ત્યારે શાસક પક્ષ ભાજપ દ્વારા આ ચૂંટણીમાં એક ઐતિહાસિક અને સૂચક નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે પક્ષ દ્વારા મેન્ડેટ અપાયા બાદ જ ઉમેદવારો ફોર્મ ભરતા હોય છે. પરંતુ આ વખતે, ચૂંટણી પૂર્વે બળવાની આશંકાઓને પગલે પાર્ટીએ તમામ ઇચ્છુક ઉમેદવારોને ઉમેદવારી નોંધાવવાની સંપૂર્ણ છૂટ આપી હોવાની ચર્ચા છે. પરિણામે, પક્ષનો સત્તાવાર મેન્ડેટ જાહેર થાય તે પહેલા જ દાવેદારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં સ્પષ્ટપણે ભાજપનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. સંઘ સાથે જોડાયેલી કુલ ૬૧માંથી ૫૯ મંડળીઓ ભાજપ સમર્થિત છે, જે સહકારી ક્ષેત્રમાં પક્ષની મજબૂત પકડનો ચિતાર આપે છે.
આગામી ૨૭ ઓગસ્ટના રોજ અંતિમ ઘડીઓમાં કયા ઉમેદવારો મેદાનમાં રહે છે અને કોણ ફોર્મ પરત ખેંચે છે, તેના પર સહકારી ક્ષેત્રના તમામ આગેવાનોની નજર મંડાયેલી છે.
ઘર હોય ત્યાં વાસણ ખખડે : નરેન્દ્રસિંહ
જૂથવાદને રદિયો ચૂંટણી પૂર્વે સહકારી આગેવાનો વચ્ચે જૂથવાદ હોવાની અનેક વાતો વહેતી થઈ હતી. જોકે, નરેન્દ્રસિંહ જાડેજાએ આ તમામ અટકળોને સ્પષ્ટપણે રદિયો આપ્યો હતો. તેમણે આ બાબતે માર્મિક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, “ઘર અને પરિવાર હોય ત્યાં વાસણ ખખડે જ,” આ નિવેદન દ્વારા તેમણે પક્ષ અને સંઘમાં એકતા હોવાનો સંદેશો આપ્યો હતો.
પક્ષ કહેશે તે ઉમેદવાર ફોર્મ પરત ખેંચશે : ઢોલરીયા
હવે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ૨૭ ઓગસ્ટનો દિવસ નિર્ણાયક બની રહેશે, કારણ કે આ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. આ અંગે આગેવાન ઢોલરિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “પાર્ટી જે ઉમેદવારને કહેશે, તે પોતાનું ફોર્મ પરત ખેંચી લેશે.”


