રાજકોટની વિજય કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્કના સ્થાપના દિને ‘રક્તદાન કેમ્પ’ યોજાયો
સહકારી ભાવના અને સામાજિક ઉત્તરદાયિત્વ સાથે ઉજવણી: બેન્કના ગ્રાહકો, કર્મચારીઓ અને શુભેચ્છકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરની અર્બન કો-ઓપરેટીવ બેન્કિંગ ક્ષેત્રે અગ્રગણ્ય સ્થાન ધરાવતી ‘વિજય કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્ક લી.’ નો સ્થાપના દિવસ સામાજિક ઉત્તરદાયિત્વ અને માનવતાવાદી કાર્યો સાથે આનંદ-ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો. રૂ. ૧૫૦ કરોડથી વધુ ડિપોઝિટ, રૂ. ૯૭ કરોડથી વધુ ધિરાણ, ૨૨,૦૦૦ થી વધુ સભાસદો અને ૭ શાખાઓનું વિશાળ નેટવર્ક ધરાવતી આ બેન્કે પોતાના સ્થાપના દિન નિમિત્તે લાયન્સ ક્લબ મિડટાઉન અને જીવનદીપ બ્લડ બેન્કના સહયોગથી એક વિશાળ ‘રક્તદાન કેમ્પ’નું સફળ આયોજન કર્યું હતું.
આ રક્તદાન કેમ્પનો શુભારંભ બેન્કના કાર્યકારી ચેરમેન ધિરેનભાઈ પારેખ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ મુખ્ય કારોબારી અધિકારી (CEO) ની ગરિમામય ઉપસ્થિતિમાં વિધિવત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પ દરમિયાન બેન્કના કર્મચારીઓ, કસ્ટમર્સ અને શુભેચ્છકોએ બહોળી સંખ્યામાં સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું. તમામ રક્તદાતાઓને પ્રોત્સાહક આકર્ષક ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે કર્મચારી પરિવારના તેજસ્વી બાળકોને પણ બિરદાવી પ્રોત્સાહિત કરાયા હતા.
આ પાવન પ્રસંગે બેન્કના કાર્યકારી ચેરમેન ધીરેનભાઈ પારેખ, ડિરેક્ટર હમીરભાઈ ચાવડા, શાંતુભાઈ રૂપારેલીયા, કાંતાબેન કથીરીયા, તુલસીભાઈ ગોંડલીયા, પૂર્વ ચેરમેન નિકુંજભાઈ ધોળકીયા, રમેશભાઈ ઘેટીયા, પ્રવીણભાઈ ધોળકીયા તેમજ પૂર્વ ડિરેક્ટર જયેશભાઈ વસા અને દીપકભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત આર.એસ.એસ.ના અધિકારી નરેન્દ્રભાઈ દવે, લાયન્સ ક્લબ રાજકોટ મિડટાઉનના પ્રમુખ ડો. આત્મનભાઈ કથીરીયા, સેક્રેટરી રાજેન્દ્રભાઈ રાવલ, હિરેનભાઈ રોકડ, જીજ્ઞેશભાઈ ભટ્ટ તેમજ જીવનદીપ બ્લડ બેન્કના ટ્રસ્ટી ડો. મહેશભાઈ વીરજા સહિતના અગ્રણીઓએ હાજરી આપીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. ડો. ડેનીશભાઈ પટેલ અને તેમની મેડિકલ ટીમે રક્તદાનની કામગીરી સુચારૂ રૂપે નિભાવી હતી.


