મચ્છરોને AI કંટ્રોલ કરશે, ડ્રોનથી દવા છંટકાવનો પ્રારંભ
શહેરના ૧૬૨ ચોરસ કિલોમીટરના વિસ્તારનું AI આધારિત પ્લેટફોર્મ પર મેપિંગ : ટેકનોલોજીના ઉપયોગથી થનાર કામગીરીનો રામનાથ મહાદેવ મંદિર ખાતેથી પ્રારંભ : શહેરીજનોને મચ્છરોથી મુકિત મળશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ અને ફાઈલેરિયા જેવા મચ્છરજન્ય રોગો સામે લડવા માટે અદ્યતન આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત ડ્રોન ટેકનોલોજીના નવતર અભિગમનો રામનાથ પરા મંદિર ખાતેથી મેયર અને મ્યુનિસિપલ કમિશનરના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. શહેરના 162 ચોરસ કિલોમીટરના વિસ્તારનું AI આધારિત પ્લેટફોર્મ પર મેપિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની અમલવારી કરવામાં આવી છે. મચ્છરોના વધતા ઉપદ્રવ અને રોગચાળાને કંટ્રોલ કરવા માટેની આ ટેકનોલોજીનો ઉપયોગ શહેરની તમામ એવી સાઇટ્સ પર કરવામાં આવશે કે ત્યાં માણસો દવા છંટકાવ માટે પહોંચી શકતા ન હોય. જોકે રામનાથપરા મંદિરના પ્રાંગણથી પ્રારંભ થયેલી નવીનતમ પહેલના કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર સુમેરા મોડા પહોંચતા મેયર ડૉ. શુક્લે તેમનો રાહ જોવાને બદલે કાર્યક્રમની શરૂઆત કરી દીધી હતી. જે ઉપસ્થિત સૌ કોઈમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
મેયર વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટેની ડ્રોન અને AI ટેક્નોલોજી છે તેની સંપૂર્ણ ચકાસણી કરીને અને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપેલી છે. આરોગ્ય વિભાગને ખાસ જવાબદારી સોંપી હતી કે આનું તમે ડેમોન્સ્ટ્રેશન લઈ લો. આરોગ્ય વિભાગના ચેરમેન, વાઇસ ચેરમેન પણ બંને અમારા ડૉક્ટર છે. એટલે એમણે ખૂબ સારી રીતે ચકાસણી કરીને આને મંજૂરી આપી છે અને આજે અમે આનો સૌપ્રથમ પ્રયોગ કરી રહ્યા છીએ.
જ્યારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ડ્રોન મારફતે રાજકોટ રાજકોટ શહેરમાં મચ્છરોના જે ઉત્પત્તિ સ્થાનને શોધી શકાય અને ત્યાં જ ડાયરેક્ટ એક્શન કરી શકાય, તેમજ જ્યાં માણસો નથી જઈ શકતા, અમારી ટીમ માટે જવાનું પણ ડિફિકલ્ટ છે એવી જગ્યાઓ પર ડ્રોન થકી એક્શન લઈ શકાય એવો આ પ્રયોગ અમે હાલ કર્યો છે. અને આ ઈફેક્ટિવ રિઝલ્ટ પણ રહેલા છે. તો અમે રાજકોટની તમામ આવી સાઈટ્સ જ્યાં માણસો નથી પહોંચી શકતા, જ્યાં અમે ડાયરેક્ટલી એને શોધી શકાય પ્લસ એનો યુઝ કરીને એના ઉપર ઈફેક્ટિવ કામ કરી શકાય એ પ્રકારનો પ્રયોગ કર્યો છે. અમને આશા છે કે અમે રાજકોટ શહેરના નાગરિકોને મચ્છરોથી ઘણી મુક્તિ અપાવી શકશું.
આ નવતર પ્રયોગથી કેન્દ્ર સરકારના ‘મેલેરિયા નાબૂદી મિશન 2030’ સુધીમાં દેશને ‘ઝીરો વેક્ટર બોર્ન ડીસીઝ’ કેસ કરવાના પ્રયત્નોને નવી ગતિ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતને ૨૦૩૦ સુધીમાં ડ્રોન હબ બનાવવાના વિઝનને પણ આમાંથી પ્રોત્સાહન મળે છે. સામાન્ય રીતે તળાવ, મોટા ખાડાઓ, કચરાનું ડમ્પિંગ, સાઈડ રોડની ઓફસાઈડિંગ, ખુલ્લી ટાંકીઓ કે એવા દુર્ગમ વિસ્તારો જ્યાં ગ્રાઉન્ડ ટીમ જઈ શકતી નથી ત્યાં મચ્છરોના લાર્વા (પોરા) નાબૂદ કરવા ડ્રોન ટેકનોલોજી અત્યંત ઉપયોગી સાબિત થશે.
ઔદ્યોગિક એકમો અને રહેણાંક વિસ્તારોમાં મચ્છર ઉત્પત્તિ સ્થળોની સફાઈ અંગે સૂચના આપ્યા બાદ પણ જો જરૂરી કામગીરી કરવામાં નહીં આવે તો સરકારી ધારાધોરણ મુજબ કાયદેસરની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
મેલેરિયા-ડેંગ્યુને અટકાવી શકશે : મેયર
રાજકોટના મેયર ડૉ.નેહલ શુક્લે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો એક નવતર પ્રયોગ કરી એની મદદથી ડ્રોન દ્વારા પ્રી-આઇડેન્ટિફાય કરવામાં આવે છે દુર્ગમ નદીકાંઠાના વિસ્તારો કે જ્યાં મચ્છરોના લાર્વા છે. જ્યાં માણસ પહોંચી નથી પહોંચી શકતા અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે જઈને ત્યાં દવા છંટકાવ કરવો ખૂબ અશક્ય છે. આ પ્રકારના વિસ્તારોને આઇડેન્ટિફાય કરી અને ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવામાં આવે છે. અમને આશા છે કે આના લીધે મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો માટે જવાબદાર મચ્છરોના ઉપદ્રવને અટકાવી શકાશે.


