શહેરના ૯૪ વિસ્તારમાં અશુદ્ધ પાણી વિતરણ, વોર્ડ નં.૧૧માં ૧૧૦૯ ફરિયાદ
5326 ફરિયાદ, 46413 સેમ્પલમાંથી 37 નમૂના ફેઈલ, 33 ફરિયાદો હજુ પેન્ડીંગ: દુષિત પાણી પીવાથી લોકોના આરોગ્ય પર નોટીસ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મનપા દ્વારા શહેરમાં શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી પહોંચાડવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ જ ચિત્ર રજૂ કરે છે. હાલમાં 18 વોર્ડના નાના-મોટા 94 વિસ્તારો એવા છે, જ્યાં રહેવાસીઓને અવારનવાર ગંદુ અને દૂષિત પાણી મળી રહ્યું છે.
મનપાના આંકડા મુજબ છેલ્લા 6 માસમાં બેક્ટેરિયોલોજીકલના 1483, રેસિડ્યુઅલ ક્લોરિનના 44752 અને કેમિકલ સેમ્પલ 187 મળીને કુલ 46413 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 37 સેમ્પલ ફેઈલ સાબિત થયા છે. શહેરમાં છેલ્લા 6 મહિના દરમિયાન દૂષિત પાણી, દુર્ગંધ અને ગટર મિશ્રિત પાણી આવવાની તીવ્ર સમસ્યાઓને લઈને કુલ 5326 ફરિયાદો નોંધાઈ છે. સરેરાશ ગણતરી કરીએ તો દર મહિને આશરે 880 કરતા વધુ અને રોજ 29 જેટલી ફરિયાદો મળી રહી છે.
તાજેતરમાં મળેલા જનરલ બોર્ડમાં આ મુદ્દે પ્રશ્ન પૂછાયો હતો. જેનો જવાબ જાહેર થયો છે. જેમાં અધિકારીએ જણાવ્યું હતું કે, 6 મહિનામાં 5293 ફરિયાદોનો નિકાલ કરાયો છે, જ્યારે 33 ફરિયાદો હજુ પણ પેન્ડિંગ છે. પાઈપલાઈનમાં લીકેજ, જૂની કે ક્ષતિગ્રસ્ત લાઈનો અને ડ્રેનેજ લાઈન નજીક હોવાના ટેકનિકલ કારણોસર આ પરિસ્થિતિ સર્જાય છે. જેના નિવારણ માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર નિયમિત ધોરણે ફિલ્ટરેશન અને ક્લોરીનેશન કરવામાં આવે છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 3 નવી જગ્યાઓએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલુ છે. ઉપરાંત જે વોર્ડમાં જૂનું એસી પ્રેશર પાઈપ લાઈન નેટવર્ક છે, તેને તબક્કાવાર નવી ડીઆઈ પાઈપલાઈન નેટવર્કમાં અપગ્રેડ કરવાની કામગીરી ચાલી રહી છે.
દૂષિત પાણી વિતરણ થવાના મુખ્ય કારણોમાં 1. પાણી વિતરણ માટે વર્ષો જૂનું એસી પ્રેશર નેટવર્ક હોવાથી તેના જોઈન્ટ પાસે ચાપડો લીક થવાના કારણે. 2. મોટા ભાગના હાઉસ કનેક્શન ગેલ્વેનાઈઝ પાઈપના હોય, આ પાઈપ સમય જતાં સડી જવાના કારણે. 3. ડ્રેનેજ નેટવર્ક તથા પાણી વિતરણ નેટવર્કની પાઈપલાઈન એકબીજાની બિલકુલ બાજુમાં હોવાના કારણે પરિસ્થિતીનું નિર્માણ થઈ રહ્યું છ.
ઉલ્લેખનીય છે કે, દૂષિત પાણીનાં વિતરણને લઈ એક સપ્તાહમાં ઝાડા-ઉલટી સહિત પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. જેમાં ગત સપ્તાહે મનપાનાં આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ રાજકોટ શહેરમાં તાવ, શરદી અને ઉધરસના 1577 દર્દીઓ નોંધાયા હતા, જ્યારે ઝાડા-ઊલટી સહિત કુલ 1884 લોકો બીમાર પડ્યા છે. જ્યારે એક જ સપ્તાહમાં મેલેરિયાનો 1 અને કમળાનો 1 કેસ સામે આવ્યો છે. આ ઉપરાંત અશુદ્ધ પાણીના વપરાશના કારણે ઝાડા-ઊલટીના 306 દર્દીઓ હોસ્પિટલે પહોંચ્યા હતા. જોકે હજુસુધી કોઈ જાનહાની થઈ નથી. ત્યારે તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં લેવાય તે જરૂરી છે.
દુષિત પાણીનું વિતરણ થતાં વિસ્તાર
- વોર્ડ નં.2: સુભાષનગર, નહેરુનગર.
- વોર્ડ નં.3: પરસાણાનગર, હંસરાજનગર, ગાયકવાડી, જંક્શન પ્લોટ.
- વોર્ડ નં.4: સુભાષનગર સોસા., વેલનાથપરા, અભિરામ પાર્ક, પંચવટી પાર્ક, ગાંધી સ્મૃતિ સોસા., જય જવાન-જય કિસાન સોસા., પ્રજાપતિ, લાલપરી, નરસિંહનગર, શિવનગર, હુડકો ક્વાર્ટર, ભગીરથ સોસા.
- વોર્ડ નં.5: આર્યનગર, પ્રજાપતિ, યુવરાજનગર, કનકનગર, શ્યામનગર, આંબા ભગતની શેરી, મયુરનગર, બાલકૃષ્ણ સોસા., ગીરનારી શેરી.
- વોર્ડ નં.9: શિવપરા, ગાંધીનગર, પરમેશ્વર સોસા., અંજલી પાર્ક, રવિરાજપાર્ક, કૈલાસપાર્ક, મુંજકા ગામ, યોગીનગર, પારિજાત સોસા.
- વોર્ડ નં.10: ઋતુવન, તિરુપતિનગર, મનુમંગલ, શ્યામલ વિહાર, શક્તિનગર, રવિપાર્ક.
- વોર્ડ નં.11: આંબેડકરનગર, કસ્તૂરી રેસિડેન્સી, અંબિકા ટાઉનશીપ, મોટા મવા.
- વોર્ડ નં.12: લક્ષ્મણ ગીતા, તિરુપતિ, કે.કે.પાર્ક, શનેશ્વર, બાલાજી પાર્ક, જડેશ્વર, માધવ, ગોકુલ રેસિડેન્સી.
- વોર્ડ નં.13: આંબેડકરનગર, ખોડિયારનગર, રામનગર, અંબાજી કડવા પ્લોટ.
- વોર્ડ નં.14: મીલપરા, ગાયત્રીનગર, ગીતાનગર, ધર્મજીવન, વાણીયાવાડી, કોઠારીયા કોલોની, કેવડાવાડી, સોરઠીયા પ્લોટ.
- વોર્ડ નં.15: ખોડિયારપરા, ચુનારાવાડ, ગંજીવાડા, થોરાળા.
- વોર્ડ નં.16: સાગર સોસા., મેહુલનગર, વિવેકાનંદનગર, મહેશ્વરી, પરસાણા, કીર્તિધામ, મહાત્મા ગાંધી, ગોકુલનગર, પટેલનગર.
- વોર્ડ નં.17: નારાયણનગર, ધનશ્યામનગર, શ્રીનગર, ઈન્દિરાનગર, હુડકો વિસ્તાર, આશાપુરાપાર્ક, બાબરીયા કોલોની.
- વોર્ડ નં.18: ભવનાથ પાર્ક, પારસ સોસા., રાધેશ્યામ સોસા., કોઠારીયા સોલવન્ટ, સ્વાતિપાર્ક, બાલાજી પાર્ક, ઈશ્વર પાર્ક, આસોપાલવ પાર્ક.


