હવે PRS કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવનાર મુસાફરોને પણ મળશે વૈકલ્પિક મુસાફરી વીમાનો લાભ
આવતીકાલથી સેવા શરૂ : માત્ર ૪૫ પૈસામાં ₹૧૦ લાખ સુધીનું વીમા કવચ : ડિજિટલ પેમેન્ટ અને મોબાઇલ નંબર આપવો ફરજિયાત
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને સુરક્ષામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે પોતાની હાલની વૈકલ્પિક મુસાફરી વીમા યોજના (OTIS)નો વિસ્તાર કરીને આવતીકાલ તા.૨૭ ઑક્ટોબરથી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટર પરથી આરક્ષિત ટિકિટ લેનારા મુસાફરોને પણ આ વીમા સુવિધાનો લાભ આપવા જઈ રહી છે. અત્યાર સુધી આ સુવિધા માત્ર IRCTCની વેબસાઇટ કે એપ દ્વારા ઈ-ટિકિટ બુક કરાવતા મુસાફરો માટે જ ઉપલબ્ધ હતી.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સુવિધાનો લાભ લેવા માટે મુસાફરોએ કેટલીક નિર્ધારિત શરતોનું પાલન કરવાનું રહેશે. આ વીમા યોજના સંપૂર્ણપણે વૈકલ્પિક છે. જે મુસાફરો આ વિકલ્પ પસંદ કરશે, તેમને જ આ લાભ મળશે. ટિકિટના ભાડા સાથે જ વીમાનું પ્રીમિયમ વસૂલવામાં આવશે. ભાડું અને પ્રીમિયમ બંનેની ચુકવણી માત્ર ડિજિટલ માધ્યમથી જ કરવાની રહેશે. બુકિંગ સમયે મુસાફરે પોતાનો મોબાઇલ નંબર આપવો ફરજિયાત રહેશે. તમામ કર (Taxes) સહિત પ્રતિ મુસાફર પ્રીમિયમ માત્ર ૪૫ પૈસા રાખવામાં આવ્યું છે. આ યોજના માત્ર ભારતીય નાગરિકો માટે છે, જેમની ટિકિટ બુકિંગ સમયે કન્ફર્મ, RAC અથવા આંશિક રીતે કન્ફર્મ (Partially Confirmed) હોય. વીમાનો વિકલ્પ પસંદ કરવા પર તે એક જ PNR હેઠળ બુક થયેલા તમામ પાત્ર મુસાફરો પર લાગુ થશે. ૫ વર્ષથી નાની વયના બાળકો (જેમનું બુકિંગ સીટ/બર્થ વગર થયું હોય) તેમને વીમા કવર મળશે નહીં. પરંતુ ૫ થી ૧૧ વર્ષના બાળકો બર્થ સાથે કે બર્થ વગર પણ વીમા માટે પાત્ર રહેશે.
રેલ અકસ્માત કે અન્ય કોઈ અપ્રિય ઘટનાના કિસ્સામાં વીમા કંપની દ્વારા મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ દિવ્યાંગતા: ₹૧૦ લાખ, કાયમી આંશિક દિવ્યાંગતા: ₹૭.૫૦ લાખ સુધી, ઈજા બાદ હોસ્પિટલ સારવાર ખર્ચ: ₹૨ લાખ સુધી, પાર્થિવ દેહનું પરિવહન: ₹૧૦,૦૦૦ સુધી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. મુસાફરો સરળતાથી આ વિકલ્પ પસંદ કરી શકે તે માટે રિઝર્વેશન માંગણી પત્રક (રિઝર્વેશન ફોર્મ)માં જરૂરી સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારેલા ફોર્મ પશ્ચિમ રેલવેના તમામ PRS કાઉન્ટરો પર ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત, સ્ટેશનો પર જાહેરાતો કરીને અને રિઝર્વેશન સ્ટાફ દ્વારા મુસાફરોને આ યોજના અને ડિજિટલ ચુકવણી અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
ટિકિટ બુક થયા બાદ વીમા પોલિસીની વિગત મુસાફરના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. મુસાફરોએ મળેલી લિંક દ્વારા વીમા કંપનીની વેબસાઇટ પર જઈને નોમિનીની વિગતો ભરવાની રહેશે. દાવાની રકમ નોમિનીને અથવા નોમિની દર્શાવેલ ન હોય તો કાનૂની વારસદાર પ્રમાણપત્રના આધારે ચૂકવવામાં આવશે. પોલિસી જારી કરવા તેમજ દાવાઓની ચુકવણીની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વીમા કંપનીની રહેશે. રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે PRS કાઉન્ટર પર ટિકિટ બુક કરાવતી વખતે સુધારેલા ફોર્મમાં વીમાના વિકલ્પ અંગે સ્પષ્ટ નોંધ કરવી.


