રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોને મોબાઇલ ફોન ઑડિયો ઉપકરણોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અપીલ
સહમુસાફરોની સુવિધા માટે ઇયરફોન/હેડફોનનો ઉપયોગ કરવા અને મોટેથી વાતચીત કરવાનું ટાળવા અનુરોધ
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે તેઓ સહમુસાફરોની સગવડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેનો તથા રેલવે પરિસરમાં મોબાઇલ ફોન તેમજ ઑડિયો ઉપકરણોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે.
મુસાફરોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ મોબાઇલ ફોન પર સ્પીકર મોડમાં સંગીત અથવા વિડિયો ન વગાડે અને ઑડિયો સામગ્રી સાંભળવા માટે ઇયરફોન કે હેડફોનનો ઉપયોગ કરે. આ સાથે જ, મુસાફરી દરમિયાન અથવા રેલવે પરિસરમાં મોટેથી વાતચીત કરવાનું ટાળે, જેથી અન્ય મુસાફરોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.
મુસાફરોને જાણ કરવામાં આવે છે કે સ્પીકર મોડ પર મોટેથી સંગીત કે વિડિયો વગાડવો અથવા મોબાઇલ ફોન પર ઊંચા અવાજે વાતચીત કરીને સહમુસાફરોને અસુવિધા પહોંચાડવી, રેલવે અધિનિયમ અંતર્ગત ઉપદ્રવી વર્તનની શ્રેણીમાં આવી શકે છે. આવા કિસ્સાઓમાં રેલવે અધિનિયમ, 1989 ની કલમ 145 ની લાગુ જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ અંતર્ગત ₹1,000/- સુધીનો દંડ તેમજ અન્ય નિર્ધારિત દંડાત્મક કાર્યવાહીની જોગવાઈ છે. અધિકૃત રેલવેકર્મી દ્વારા મનાઈ કરવા છતાં આવું વર્તન ચાલુ રાખવા પર નિયમ મુજબ આગળની કાર્યવાહી પણ થઈ શકે છે.
રાજકોટ ડિવિઝન રેલવે પ્રશાસન તમામ મુસાફરોને અપીલ કરે છે કે તેઓ રેલ પ્રવાસ દરમિયાન સામાન્ય શિષ્ટાચારનું પાલન કરે તેમજ સહમુસાફરોની સુવિધા અને સગવડનું સન્માન કરે.


