ભારતી ફૂડસમાંથી ૮૦૦ કિલો વાસી નુડલ્સનો જથ્થો ઝડપાયો
મનપાના ફૂડ વિભાગનો સપાટો, 3૦ પેઢીમાં દરોડા, ૮૪૧ કિલો અખાદ્ય પદાર્થનો નાશ, સેવ, હળદર, બેસન સહિતના નમૂના લેવાયા : પાંચ વેપારીઓને લાયસન્સ બાબતે નોટીસ ફટકારી : ધંધાર્થીઓમાં ફફડાટ
અગ્ર ગુજરાત, રાજકોટ
તહેવારોની મોસમ ટાણે જ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય મિલકતોના વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા (ફૂડ વિભાગ) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે હાથ ધરવામાં આવેલા મેગા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ ૩૦ પેઢીઓની સઘન તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કુલ ૦૬ નમૂના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે ગંદકી અને નિયમોના ભંગ બદલ ૦૫ પેઢીઓને નોટિસ ફટકારી કુલ રૂ. ૧૨,૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. આ સરપ્રાઈઝ ચેકિંગમાં ૮૪૧ કિલોગ્રામ અખાદ્ય, વાસી, પડતર અને એક્સપાયર્ડ જથ્થાને સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યો હતો.
ભારતી ફૂડ્સ & બેવરેજીસ (યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, માધાપર ચોકડી, જામનગર રોડ પરથી હાઈજેનિક કન્ડિશન અને યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ ફટકારવામાં આવી તેમજ અંદાજિત ૮૦૦ કિલોગ્રામ વાસી/પડતર નુડલ્સનો જથ્થો એસ.ડબ્લ્યુ.એમ. (SWM) ના વાહનમાં સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને હક્કા નુડલ્સ (લૂઝ) નો નમૂનો લેવાયો તથા રૂ. ૧૦,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરાયો છે.
The White Fumes Café રાધે કૃષ્ણા પાર્ક-૧, કાલાવડ રોડ પરથી હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી એક્સપાયર્ડ બેકરી પ્રોડક્ટ્સ, પ્રીપેડ વાસી ફૂડ, પડતર લોટ, કાપેલા વાસી શાકભાજી, એક્સપાયર્ડ પિઝા બેઝ, મસાલા, વાસી નુડલ્સ અને મંચુરિયન મળી કુલ અંદાજિત ૩૧ કિલો અખાદ્ય જથ્થો નાશ કરાયો અને રૂ. ૨,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલાયો
માં વૈષ્ણવી કેળાં વેફર પરાબજાર, ધર્મેન્દ્રસિંહ કાપડ માર્કેટ પાસેથી હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી વપરાશમાં રખાયેલ અંદાજિત ૧૦ કિલો દાજિયું તેલ નાશ કરી રૂ. ૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરાયો. ભરત ફરસાણ (ગૃહ ઉદ્યોગ) કોટક શેરી નં-૨, સાંગણવા ચોકમાંથી હાઈજિન અને ટેકનિકલ પર્સન બાબતે નોટિસ અપાઈ અને (૧) સેવ (૨) હળદર પાવડર (લૂઝ), (૩) બેસન (લૂઝ)ના નમૂના લેવાયા છે.
કેફેટો રેસ્ટોરન્ટ કિશાનપરા ચોકમાં હાઈજિન બાબતે નોટિસ આપી ગોપી બ્રાન્ડ મલાઈ પનીર (૧ કિલો પેક્ડમાંથી) નો નમૂનો લેવાયો., જે.ડી. એન્ટરપ્રાઇઝ : (યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, માધાપર ચોકડી)માંથી બૈલી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (૧ લીટર પેક) નો નમૂનો લેવાયો હતો.
ફૂડ વિભાગની ટીમ દ્વારા કુવાડવા રોડ વિસ્તાર: TWING કાફે, અતુલ આઈસ્ક્રીમ., કાલાવડ રોડ વિસ્તારમાં ખેતલાઆપા ટી-સ્ટોલ, બહુચરાજી દાળ પકવાન. સત્યસાઈ મેઈન રોડ વિસ્તારમાં શ્રી રાઘવેન્દ્ર સ્વીટ્સ, શુભમ ડેરી ફાર્મ, ઉમિયાજી જનરલ સ્ટોર, તિરુપતિ અમુલ પાર્લર, બાલાજી નમકીન, આદેશ બેકરી, ઓમ ખમણ, રાજવૈભવ આઈસ્ક્રીમ, ZAF’S T, ઓમ સ્નેક્સ, શક્તિ નમકીન, શ્રીનાથજી ખમણ, મારુતિ પ્રોવિઝન સ્ટોર, અક્ષર નાસ્તા હાઉસ, નીલકંઠ ડાઇનિંગ હોલ, પરિવાર ગાંઠિયા, રજનીકાંત મદ્રાસ કાફે, સ્નેક્સ પાર્લર, ક્રિષ્ના ચાઈનીઝ પંજાબી, BURGRITO નામની પેઢીઓમાં પણ રૂબરૂ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.


