રાજકોટમાં હાઇકોર્ટ બેંચ બાબતે બાર એસો. આક્રમક, ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચિમકી
સરકારે આપેલુ વચન યાદ કરાવીશુ : પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા : ચૂંટણી ઢંઢેરામાં ભાજપે આપેલ વચન નહી પાળતા મામલો ગરમાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં લાંબા સમયથી પ્રબળ બનેલા હાઇકોર્ટની બેચના મુદ્દે રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રવાસીઓને હાઇકોર્ટની બેચ અપાવવા માટે ચૂંટણી ઢંઢેરામાં મોટા વચનો અને જાહેરાતો આપવામાં આવી હતી. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ લાંબો સમય વીતી જવા છતાં શાસક પક્ષ દ્વારા આ મામલે કોઈ જ નક્કર કાર્યવાહી કે પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે હવે વકીલ મંડળો અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન ખુલ્લેઆમ મેદાને આવ્યા છે. સરકારને તેનો વાયદો યાદ કરાવવાનું જિલ્લા બાર પ્રમુખે જણાવ્યું છે.
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું કે, ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષ 1962-63 દરમિયાન જ્યારે હાઇકોર્ટને અમદાવાદ ખાતે ખસેડવાનો નિર્ણય કોંગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો, ત્યારથી લઈને આજદિન સુધી સૌરાષ્ટ્રના નાગરિકો અને અસીલોએ ભારે હાલાકી સહન કરવી પડે છે. ન્યાય મેળવવા માટે સૌરાષ્ટ્રવાસીઓએ છેક અમદાવાદ સુધી લાંબુ થવું પડે છે, જેમાં નાણાકીય ખર્ચ તો થાય જ છે પરંતુ સાથે-સાથે રસ્તામાં અકસ્માત થવાની જોખમી સંભાવનાઓ પણ સતત રહે છે.
ચૂંટણી સમયે ભાજપ દ્વારા આપવામાં આવેલા વચનોની યાદ અપાવવા માટે વકીલ મંડળો દ્વારા પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ મામલે નરેન્દ્રસિંહ જાડેજાએ સ્પષ્ટ કર્યું હતું કે ભાજપ આ માંગણી સામે સહમત નથી એવું નથી, પરંતુ તેઓ આ વચન ભૂલી ગયા છે અને બાર એસોસિએશન તેમને તે યાદ કરાવવા માટે સક્રિય બન્યું છે. આગામી સમયમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની તમામ સંસ્થાઓ તથા વકીલ મંડળો સાથે સંકલન સાધીને એક વ્યાપક રણનીતિ તૈયાર કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આ સમસ્યાનાં ઉકેલ માટે વકીલોનું પ્રતિનિધિ મંડળ પીએમ મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને તાત્કાલિક અને વહેલી તકે સંતોષકારક નિર્ણય લેવા રજૂઆત કરશે. જો સરકાર દ્વારા આગામી 30 નવેમ્બર પહેલાં આ દિશામાં કોઈ સંતોષકારક ખાતરી કે હકારાત્મક નિર્ણય આપવામાં નહીં આવે, તો ત્યારબાદ બાર એસોસિએશન દ્વારા ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. એટલું જ નહીં, જો આ અત્યંત મહત્વપૂર્ણ માંગણી નહીં સંતોષાય તો ભવિષ્યમાં અલગ સૌરાષ્ટ્ર રાજ્યની માંગણી કરવા સુધીના પગલાં ભરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


