- જન્મજાત ખામીથી અન્નનળી નહોતી
- સિવિલમાં તબીબો દ્વારા દુર્લભ સર્જરી કરાઈ
- બાળકોને જમવા માટે ફૂડપાઈપ બનાવાઈ
એશિયાની સૌથી મોટી હોસ્પિટલનું ટેગ ધરાવતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આમ તો અનેક દુર્લભ સર્જરીઓ થઈ હોવાના દાખલા નોંધાયા છે. પરંતુ હાલમાં જ સિવિલમાં જે સર્જરી કરવામાં આવી છે તેની વાત અનોખી છે. આ એક દુર્લભ સર્જરી છે જેના દ્વારા 2 નાના માસૂમોને પહેલીવાર ભોજનનો સ્વાદ ખબર પડી છે અને તેમને દિવાળી પહેલા નવજીવન મળ્યું છે. તેમને નવી અન્નનળી આપી આ 2 બાળકોને નવજીવન બક્ષવામાં આવ્યું છે.
આ મામલાની વધુ વિગતો પ્રમાણે જન્મજાત અન્નનળીની ખામીને કારણે અઢી વર્ષની ઉમર સુધી ખોરાકનો એક દાણો પણ ન લઇ શકતા બે બાળકોને સિવિલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના ડોક્ટરો એ દુર્લભ સર્જરી કરીને પીડામુક્ત કર્યા છે. બંને બાળકોમાં જઠરમાંથી અન્નનળી બનાવી મોંથી ખોરાક લેતા કરી બાળકોને નવું જીવન આપ્યું છે. અતિ જટિલ સર્જરી સિવિલ હોસ્પિટલમાં સરળતાથી પૂર્ણ કરવામાં આવી છે. આમાં જન્મજાત અન્નનળી ન ધરાવતા 2 નાના માસૂમોનું ઓપરેશન કરી ભોજન લેતા કરવામાં આવ્યા છે અને સિવિલના તબીબોએ આ બાળકોને નવજીવન બક્ષ્યું છેય.
જન્મજાત ખામી
એક માહિતી પ્રમાણે અંદાજીત દર 3200 માંથી લગભગ એક બાળક આ જન્મજાત ખામી સાથે જન્મે છે જેને ઇસોફેજલ એટ્રેસિયા કહેવાય છે. સામાન્ય રીતે આવા બાળકોમાં ફુડપાઈપ અને વિન્ડપાઈપ પણ એકબીજા સાથે અસામાન્ય રીતે જોડાયેલા હોય છે. જો કે, ‘માત્ર અન્નનળીના એટ્રેસિયા’ તરીકે ઓળખાતી, દુર્લભ ખામી જેનો વ્યાપ 8% છે તેમાં કુદરતી રીતે કોઈ અન્નનળી કે ફૂડ પાઇપ હોતી નથી પરંતુ તેની જગ્યાએ ગળા થી થોડે નીચે સુધી એક બંધ છેડો તથા જઠર થી થોડે ઉપર સુધી બીજો બંધ છેડો હોય છે જેથી મો દ્વારા લાળ પણ ગળી શકાતી નથી.સ્મિત અને મિતાંશ એવા બે બાળકો છે જે આ દુર્લભ જન્મજાત ખામી સાથે જન્મ્યા હતા.
શ્રમિકના પુત્રની સર્જરી
સ્મિત ભરૂચના મજુરી કરી ગુજરાન ચલાવતા વિશાલભાઇ અને દક્ષાબેન ગોહિલનો અઢી વર્ષનો પુત્ર છે જ્યારે મિતાંશ 2 વર્ષ અને 4 મહિનાનો છે અને તેના માતા-પિતા ભાવનાબેન અને મયુરભાઇ પરમાર અમદાવાદના રહેવાસી છે.જન્મબાદ આજ દિન સુધી આ છોકરાઓ પોતાના મોઢાથી અન્નનો એક દાણો પણ લઇ શક્યા ન હતા. જીવનના પ્રથમ દિવસે જ આ દુર્લભ બીમારીની ખબર પડતા બંને બાળકો ઉપર પ્રાથમિક શસ્ત્રક્રિયા કરી ઇસોફેગોસ્ટોમી એટલે કે અન્નનળીના ઉપર ના બંધ ભાગને ખોલી ગળાના બહારના ભાગ માં કાઢવાનુ અને ગેસ્ટ્રોસ્ટોમી એટલે કે જઠરમાં પ્રવાહી ખોરાક સીધો આપવા માટે પેટમાં નળી મુકવા નું ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.આ બેઉ પરિવારો માટે જીવનનો આ સમય ખૂબ જ કઠિન અને દયનીય હતો. પોતાના વ્હાલ્સોયા દીકરાઓ ને જીવાડવા માતાપિતા કેટલી હદ સુધી સંઘર્ષ કરી શકે છે તેનુ આ ઉતમ ઉદાહરણ છે.
શું કર્યું માતાપિતાએ?
જન્મબાદ થી બે વર્ષ સુધી આ બંને માતાપિતા એ પોતાના બાળકો ને ડોક્ટરોની સલાહ મુજબ બાળકને લાળ સતત બહાર આવ્યા કરે અને ભૂલથી પણ તેમાં ભરાવો થઇ લાળ શ્વાસનળી માં ન જાય તેની કાળજી લીધી અને પેટ ઉપર મુકેલી નળી દ્વારા દર બે થી ત્રણ કલાકનાં સમયાંતરે દિવસ રાત જોયા વગર ચોક્કસ માત્રામાં પ્રવાહી ખોરાક પોષણ માટે આપતા રહ્યા. 20 સપ્ટેમ્બર 2023 અને 20 ઑક્ટોબર 2023 ના રોજ, સ્મિત અને મિતાંશને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગેસ્ટ્રિક પુલ અપ નામની નિર્ણાયક સર્જરી કરવામાં આવી. જઠરનો ઉપયોગ કરીને છાતીના હાડકાની પાછળથી અન્નનળીના ઉપરના ખુલ્લા ભાગ સુધી ખેંચીને નવી ફૂડ પાઇપ બનાવવામાં આવી.
સિવિલમાં સર્જરી
આ શસ્ત્રક્રિયા ડો. રાકેશ જોષી ડો. જયશ્રી રામજી દ્વારા કરવામાં આવી હતી. એનેસ્થેસિયા ટીમની મદદ લઈ એક જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. આ સર્જરી વિશે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, જઠરના ભાગને છાતી સુધી ખેંચવા છતા પણ તે સ્વસ્થ રહે તે સુનિશ્ચિત કરવુ એ આ ઓપરેશન માટે સૌથી વધુ પડકારજનક હતું. સદનસીબે, ઓપરેશન અને તે પછીનો પોસ્ટઓપરેટીવ સમય બંને બાળકોમાં કોઈ પણ તકલીફ વિના, સરળતાથી પૂરો થયો. ઓપરેશન પછી શરુઆત ના સમય માં બાળકોને પોષણ પૂરું પાડવા માટે નાના આંતરડામાં કામચલાઉ ફીડિંગ ટ્યુબ મૂકવામાં આવી હતી. નવી બનાવેલી અન્નનળી સારી રીતે જોડાય ગઇ છે અને તેમાં રુઝ બરાબર આવી ગઇ છે તેની ખાતરી કર્યા બાદ બંને છોકરાઓને મોઢેથી ખોરાક આપવામાં આવ્યો અને બંને હવે સારી રીતે ખોરાક મોઢેથી લઈ શકે છે. બંને બાળકો એ તેમના જીવનના અઢી વર્ષમાં પ્રથમ વખત ખોરાકનો સ્વાદ ચાખ્યો! તેમના ચહેરા પરના હાવભાવ અને તેમના માતાપિતાનો આનંદ અમૂલ્ય અને અવર્ણનીય હતો! આ બાળકોને મળેલી નવજીવન એ દિવાળીની વહેલી ભેટ સમાન છે.


