વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતિકાલે ગુજરાતની મુલાકાતે, ડિસામાં યોજાશે ખાટલા પરિષદ
3૦-3૧ બે દિવસ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે : સભામાં ખૂરશી નહી ખાટલા પથરાયા
અગ્ર ગુજરાત, પાલનપુર
PM મોદી દેશમાં પ્રથમવાર ખાટલા સભા કરશે. બનાસકાંઠાના ભીલડીમાં ગ્રામીણ પરંપરા અનુસાર ખાટલાની બેઠક વ્યવસ્થા કરાઈ છે. સભામાં આવનાર ખેડૂતો માટે ખુરશીની જગ્યાએ ખાટલા ગોઠવાયા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ભીલડી ખાતે આવતીકાલે 30 ઓક્ટોબરે રાષ્ટ્રીય કક્ષાના ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’નું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો દેશભરના ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે. ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને 1000 કરોડથી વધુની સહાય અર્પણ કરશે અને સાથે જ બનાસ ડેરીના અત્યાધુનિક ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર-BBBRCનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો દેશભરના ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે.આ અંતર્ગત દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 18,680 કરોડથી વધુની આર્થિક સહાય મળશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના પ્રથમથી 23મા હપ્તા સુધીમાં દેશના 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂ. 4.47 લાખ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ગુજરાતમાં પણ અત્યાર સુધી 69.26 લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને રૂ.24,137 કરોડથી વધુની રકમ આપવામાં આવી છે.
પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે ગુજરાતમાં 34 જિલ્લા કક્ષાના અને 2,100થી વધુ ક્લસ્ટર કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ તમામ સ્થળોએ ભીલડી ખાતે યોજાનારા રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કૃષિ અને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ મંજૂર થયેલા સહાયપત્રોનું લાભાર્થી ખેડૂતોને વિતરણ કરવામાં આવશે.
ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન 30 ઓક્ટોબરે સાંજે વડાપ્રધાન સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે આવેલા ‘ભારત પર્વ’ પેવેલિયનની મુલાકાત લેશે. ત્યારબાદ નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા દ્વારા રજૂ થનારા ‘આનંદમઠ’ નાટકને નિહાળશે. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ, શિલાન્યાસ અને ભૂમિપૂજન કરશે. વડાપ્રધાન ‘આરંભ 2026’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તાલીમાર્થી અધિકારીઓ સાથે સંવાદ કરશે. સાંજે રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય સમારોહમાં પરેડનું નિરીક્ષણ કરીને સલામી ઝીલશે.


