ગેસ રીફિલિંગના જોખમી કૌભાંડનો પર્દાફાશ: 7 ઝડપાયા, 15ની શોધખોળ
અટીકા-નહેરૂનગરનાં મકાનો અને ગોડાઉનમાં એસએમસીના બે દરોડા; 553 ગેસ સિલિન્ડર સહિતનો જથ્થો કબજે, ગેસ એજન્સીઓના ડિલિવરીમેનની પણ સંડોવણી ખુલતાં ચકચાર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં ઘરવપરાશ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ગેરકાયદે સંગ્રહ અને રીફિલિંગના જોખમી કારોબારનો સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)એ પર્દાફાશ કર્યો છે. શહેરના અટીકા વિસ્તારના આહીર ચોક નજીક આવેલા નહેરૂનગર અને અટીકા સાઉથના ન્યુ નહેરૂનગરમાં મકાનો તથા ગોડાઉનને નિશાન બનાવી એકસાથે બે સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે બંને ગુનામાં સંડોવણીના આરોપસર 15 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. દરોડામાં કુલ 553 ગેસ સિલિન્ડર સહિત રીફિલિંગ માટેનાં સાધનો, વાહનો અને રોકડ રકમ મળી મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં ગેસ એજન્સીઓ સાથે સંકળાયેલા કેટલાક ડિલિવરીમેન પણ આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ હોવાની વિગતો બહાર આવી છે. એજન્સીઓમાંથી સિલિન્ડર મેળવીને તેને અન્ય બાટલામાં ગેરકાયદે રીફિલિંગ કરવા તેમજ ઘરવપરાશના સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ માટે ઊંચા ભાવે વેપલો કરવામાં આવતો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. આ રીતે જ્વલનશીલ ગેસના બેફામ હેન્ડલિંગથી આસપાસના રહેવાસીઓના જીવ પણ જોખમમાં મુકાતા હોવાની ગંભીર બાબત સામે આવી છે.
એસએમસીને અટીકા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરી ગેરકાયદે રીફિલિંગ થતું હોવાની બાતમી મળી હતી. તેના આધારે ટીમે પ્રથમ દરોડો આહીર ચોક નજીક નહેરૂનગરની શેરી નં. 6, 8 અને 10માં આવેલા મકાનો તથા ગોડાઉનમાં પાડ્યો હતો. સ્થળ પર તપાસ દરમિયાન ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાની કામગીરી ચાલતી હોવાનું જણાતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ દરોડામાં અમિત ધીરૂભાઈ ડાંગર અને આશિષ રમેશભાઈ ગોગરાને ઝડપી લેવામાં આવ્યા હતા. સ્થળ પરથી 313 જેટલા ગેસ સિલિન્ડર કબજે કરવામાં આવ્યા હતા.
આ કેસમાં એસએમસીના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ વજુભા ઝાલાની ફરિયાદના આધારે આવશ્યક ચીજવસ્તુ ધારા તથા ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાયો છે. પકડાયેલા બંને આરોપીઓ ઉપરાંત ધીરૂ રાયઘનભાઈ ડાંગર, પ્રફુલ નારણભાઈ ડાંગર, ઉમેશ પ્રભાતભાઈ બોરીયા, સંજય ચાવડા, સંજય રજપુત, રાજ અને તજુને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ પૈકીના કેટલાક વ્યક્તિઓ દ્વારકેશ, ફ્રીડમ, આકૃતિ અને જયમીન ગેસ એજન્સીમાંથી સિલિન્ડરની ડિલિવરી સાથે સંકળાયેલા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. એસએમસીની ટીમે આ જ વિસ્તારમાં બીજી કાર્યવાહી અટીકા સાઉથના ન્યુ નહેરૂનગરની શેરી નં. 4 તથા આરતી મેઈન રોડની શેરી નં. 2માં આવેલા મકાનોમાં કરી હતી. અહીં પણ ગેસ સિલિન્ડરનો ગેરકાયદે સંગ્રહ અને રીફિલિંગનું નેટવર્ક ચાલતું હોવાનું સામે આવ્યું હતું. આ દરોડામાં હરદેવ કાનજીભાઈ ચાવડા, મેરામણ કરશનભાઈ ચાવડા, રમેશ ગગુભાઈ ચાવડા, રાકેશ મહેશકુમાર બિશ્નોઈ અને પુરેનનાથ ઘનશ્યામભાઈ કોરીને ઝડપી લેવામાં આવ્યા હતા. આ બીજા કેસમાં એસએમસીના પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર જગતસિંહની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં રાજુ સોલંકી, કરણ લાવડીયા, મંગાભાઈ, અરવિંદ નટ, હિતેશ ગગુભાઈ ચાવડા, શૈલેષ ગગુભાઈ ચાવડા, ચંદુ રાઠોડ અને જીતેન્દ્ર સહિત આઠ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ પૈકીના કેટલાક મધુરમ, જયમીન, જય ભીમ અને એજીએસ પ્યોર ગેસ એજન્સી સાથે સંકળાયેલા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓ પોતાના તેમજ ભાડે રાખેલા મકાનો અને ગોડાઉનમાં ઘરવપરાશ તથા કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ગેરકાયદે સંગ્રહ કરતા હતા. ત્યારબાદ એક સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરમાં ગેસ ભરવાની કામગીરી કરી નિર્ધારિત બજારકિંમત કરતાં વધુ ભાવે વેચાણ કરવામાં આવતું હતું. ઘરવપરાશ માટેના સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ માટે ગેરકાયદે વેપલો પણ કરવામાં આવતો હોવાનો આરોપ છે.
બંને દરોડામાં એસએમસીની ટીમે કુલ 553 ગેસ સિલિન્ડર કબજે કર્યા છે. આ ઉપરાંત રીફિલિંગમાં ઉપયોગમાં લેવાતી ઇલેક્ટ્રિક મોટર, વજનકાંટા, સીલ, વાહનો અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. એક કેસમાં જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત રૂ. 4,63,445 હોવાનું સામે આવ્યું છે. એસએમસી દ્વારા બંને ગુના નોંધાવી સાત આરોપીઓને સ્થાનિક પોલીસને સોંપવાની કાર્યવાહી બાદ હવે આગળની તપાસ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી. પરમારની રાહબરી હેઠળ પીએસઆઇ એસ.એચ. ગોહિલ અને તેમની ટીમે હાથ ધરી છે. વોન્ટેડ જાહેર કરાયેલા 15 વ્યક્તિઓને શોધવા તેમજ ગેસ એજન્સીઓના ડિલિવરીમેનની ભૂમિકા, સિલિન્ડરનો પુરવઠો ક્યાંથી મળતો હતો અને આ ગેરકાયદે નેટવર્ક કેટલા સમયથી કાર્યરત હતું તે દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવશે.


