રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર પ્રણાલીનું આધુનિક નેટવર્ક પર સફળ માઈગ્રેશન
રાજકોટ–ઓખા રેલખંડના 30 સ્ટેશનોમાં નવી સંચાર પ્રણાલી સ્થાપિત
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને સંચાર વ્યવસ્થાના આધુનિકીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી છે. તારીખ 3 નવેમ્બર, 2026 ના રોજ રાજકોટ–ઓખા રેલખંડમાં અગાઉ કાર્યરત સીસીઈઓ આધારિત ટ્રેન કંટ્રોલ કોમ્યુનિકેશન સિસ્ટમ ને સફળતાપૂર્વક આધુનિક મલ્ટિપ્રોટોકોલ લેબલ સ્વિચિંગ આધારિત વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ સિસ્ટમ પર સ્થળાંતરિત કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ કાર્ય રાજકોટ ડિવિઝનના સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સિદ્ધિ સાથે રાજકોટ–ઓખા રેલખંડમાં આધુનિક આઈપી આધારિત સંચાર નેટવર્ક સ્થાપિત થઈ ગયું છે. આ નેટવર્કના માધ્યમથી ટ્રેન નિયંત્રણ સંચાર વ્યવસ્થાને વધુ અસરકારક, વિશ્વસનીય અને વધુ સારી રીતે નિરીક્ષણ યોગ્ય બનાવવામાં મદદ મળશે.
રાજકોટ–ઓખા મુખ્ય રેલખંડની લંબાઈ 252 કિલોમીટર છે. આ ઉપરાંત કનાલુસ–સિક્કા શાખા રેલખંડ 14.5 કિલોમીટર, જામનગર–વાંસજાળિયા 2 કિલોમીટર તથા માધાપર–મેસર્સ નાયરા એનર્જી લિમિટેડ, મોડપર 12 કિલોમીટર લાંબો છે. આ રીતે મુખ્ય અને શાખા રેલખંડોમાં કુલ 30 સ્ટેશનોને આધુનિક સંચાર નેટવર્ક સાથે જોડવામાં આવ્યા છે.
આ સફળ માઈગ્રેશન સાથે રાજકોટ ડિવિઝનની સમગ્ર ટ્રેન નિયંત્રણ સંચાર વ્યવસ્થા હવે આધુનિક એમપીએલએસ-વીઓઆઈપી આધારિત નેટવર્ક પર સ્થાપિત થઈ ગઈ છે. આ સિદ્ધિ ડિવિઝનની સંચાર વ્યવસ્થાને વધુ આધુનિક અને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
આ ઉપલબ્ધિ પર રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓની પ્રશંસા કરતા જણાવ્યું કે, “રાજકોટ ડિવિઝનમાં આધુનિક સંચાર તકનીકનું સફળ અમલીકરણ એ આપણા અધિકારીઓ અને કર્મચારીઓની ટેકનિકલ કુશળતા અને ટીમવર્કનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ સિદ્ધિ રેલ સંચાલનની સંચાર વ્યવસ્થાને વધુ આધુનિક, વિશ્વસનીય અને સુદ્રઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે.”


