વલભીપુરના દુદાધારના છ નિરાધાર બાળકોના ભવિષ્યની જવાબદારી લેતા બ્રિજરાજસિંહ ગોહિલ
પિતાની છત્રછાયા ગુમાવનાર ચાર દીકરીઓ અને બે દીકરાઓના અભ્યાસથી લઈને લગ્ન સુધીનો તમામ ખર્ચ ઉઠાવવાનો સંકલ્પ
અગ્ર ગુજરાત, વલભીપુર
ક્ષત્રિય સમાજની દાનવીરતા અને જરૂરિયાતમંદોની પડખે ઊભા રહેવાની પરંપરા આજે પણ જીવંત છે. તેનું એક લાગણીસભર ઉદાહરણ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના જિલ્લા પંચાયત સદસ્ય બ્રિજરાજસિંહ ગંભીરસિંહ ગોહિલે પૂરું પાડ્યું છે. વલભીપુર તાલુકાના દુદાધાર ગામમાં પિતાની છત્રછાયા ગુમાવનાર ચાર દીકરીઓ અને બે દીકરાઓ સહિત છ સંતાનોના અભ્યાસથી લઈને તેમના લગ્ન સુધીની તમામ જવાબદારી પોતાના શિરે લેવાનો તેમણે સંકલ્પ કર્યો છે.
વલભીપુર તાલુકાના દુદાધાર ગામે આશરે દોઢ વર્ષ પહેલાં ગામના ઘનશ્યામ ગણેશભાઈ મકવાણા સનેડો લઈને વાડીએ જઈ રહ્યા હતા, તે દરમિયાન સનેડો પલટી જતાં ગંભીર દુર્ઘટનામાં ઘનશ્યામભાઈનું કરુણ મોત નીપજ્યું હતું.
ઘરમાં કમાનાર વ્યક્તિ ન રહેતાં પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ હતી. બે ટંકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ બન્યું હતું. આવી સ્થિતિમાં બાળકોના શિક્ષણ અને ભવિષ્યની ચિંતા પરિવાર માટે મોટો પડકાર બની હતી. આ પરિવારની કરુણ પરિસ્થિતિની જાણ જિલ્લા પંચાયત સદસ્ય બ્રિજરાજસિંહ ગોહિલને થતાં તેઓએ પરિવારની મુલાકાત લઈ તેઓની વાસ્તવિક સ્થિતિ જાણ્યા બાદ તેમણે માત્ર આશ્વાસન આપીને સંતોષ માનવાના બદલે ઘનશ્યામભાઈનાં ચાર દીકરીઓ અને બે દીકરાઓના અભ્યાસથી લઈને લગ્ન સુધીનો તમામ ખર્ચ પોતે ઉઠાવવાનો તેમણે નિર્ણય કર્યો છે. આ સાથે પરિવારને ફરી બેઠો કરવા માટે પણ સહયોગ આપવાની પહેલ કરી છે.
પરિવારમાં સૌથી મોટી દીકરી જાનવી (15 વર્ષ), ત્યારબાદ ઋત્વિ (13 વર્ષ), અંજલિ (10 વર્ષ), તુલસી (9 વર્ષ), દીકરો વિશાલ (7 વર્ષ) અને સૌથી નાનો દીકરો મિતેષ (3 વર્ષ) છે. આ છ બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે બ્રિજરાજસિંહ ગોહિલે પિતાતુલ્ય જવાબદારી સ્વીકારવાનો સંકલ્પ કર્યો છે.
બ્રિજરાજસિંહ ગોહિલે દુદાધારના નિરાધાર પરિવાર માટે લીધેલો સંકલ્પ એ જ પરંપરાની યાદ અપાવે છે. કારણ કે સાચી દાનવીરતા માત્ર દાનની રકમમાં નથી હોતી, પરંતુ કોઈના જીવનની જવાબદારી સ્વીકારવાની હિંમતમાં હોય છે. રાજકારણમાં હોદ્દો મેળવવો એક બાબત છે, પરંતુ કોઈ નિરાધાર પરિવારના છ બાળકોના ભવિષ્યની ચિંતા કરીને તેમની જવાબદારી સ્વીકારવી એ સમાજસેવાની અલગ જ ભાવના દર્શાવે છે.


