વોર્ડ નં.૧માં સંગઠનાત્મક બેઠક સંપન્ન: ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે આપ્યું માર્ગદર્શન
‘જેના અન્ન ભેગા તેના મન ભેગા’ના મંત્ર સાથે યોજાઈ વિશેષ ટિફિન બેઠક
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર હેઠળ વોર્ડ નં. ૧ ની સંગઠનાત્મક બેઠક ધર્મેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. આ બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહેલાં રાજકોટ પશ્ચિમના લોકપ્રિય ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે સંગઠનને પાયાના સ્તર સુધી વધુ મજબૂત અને લોકાભિમુખ બનાવવા અંગે ઉપસ્થિત કાર્યકર્તાઓને ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બેઠકની શરૂઆતમાં વોર્ડ પ્રમુખ નાગજીભાઈ વરુ તેમજ મહામંત્રીઓ વિરલભાઈ દવે અને રાણાભાઈ ગોજીયા દ્વારા સંગઠનના આગામી કાર્યક્રમો, જનસંપર્ક અભિયાનો તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ તથા વિકાસકાર્યો અંગે વિસ્તૃત વિગતો રજૂ કરવામાં આવી હતી.
વોર્ડ નં.૧ના સ્થાનિક વિકાસકાર્યો અંગે વાત કરતાં કોર્પોરેટરો ડૉ. પરેશભાઈ ઠાકર, જયરાજસિંહ જાડેજા, સેજલબેન ચૌધરી અને અંજનાબેન મોજરીયાએ વોર્ડમાં ચાલી રહેલા તેમજ પૂર્ણ થયેલા રોડ-રસ્તા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ અને શુદ્ધ પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓની વિગતો સૌ સમક્ષ મૂકી હતી. તેમણે પ્રજાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા માટે કોર્પોરેશન ટીમ સદૈવ તત્પર હોવાની ખાતરી આપી હતી.
બેઠકના અંતે ‘જેના અન્ન ભેગા તેના મન ભેગા’ના ઉમદા ભાવ સાથે એક વિશેષ ટિફિન બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ સાથે બેસીને ભોજન લીધું હતું. આ પારિવારિક માહોલે કાર્યકરોમાં એકતા અને સ્નેહભાવને વધુ દ્રઢ બનાવ્યો હતો.
આ બેઠકમાં વોર્ડ નં. ૧ ના તમામ સંગઠન હોદ્દેદારો, શક્તિકેન્દ્ર સંયોજકો, બૂથ સમિતિના સમર્પિત કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


