રાજકોટ ડિવિઝન દ્વારા 148 ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ તૈયાર
વિશેષ શિબિરો દ્વારા 80 વર્ષ કે તેથી વધુ વયના 28 વરિષ્ઠ પેન્શનરોને પણ મળી સુવિધા
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના એકાઉન્ટ્સ વિભાગ દ્વારા DLC અભિયાન 5.0 હેઠળ પેન્શનરો તેમજ પારિવારિક પેન્શનરોની સુવિધા માટે વિવિધ સ્થળોએ વિશેષ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના દ્વારા જારી કરાયેલી અખબારી યાદી મુજબ, આ અભિયાન હેઠળ એકાઉન્ટ્સ વિભાગના કર્મચારીઓ દ્વારા પેન્શન એસોસિએશન, રાજકોટ; PWI કચેરી, થાન; યુનિયન બેંક ઓફ ઈન્ડિયા; સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તથા હાપા રેલવે સ્ટેશન સહિત વિવિધ સ્થળોએ શિબિરો યોજવામાં આવી હતી.
આ શિબિરો દ્વારા અત્યાર સુધીમાં કુલ 148 ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ (DLC) સફળતાપૂર્વક તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 80 વર્ષ કે તેથી વધુ વયના 28 વરિષ્ઠ પેન્શનરો પણ સામેલ છે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ ફાઇનાન્સ મેનેજર પવન કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરોને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ કઢાવવામાં સરળતા કરી આપવી તેમજ તેમને બિનજરૂરી દોડધામમાંથી રાહત આપવાનો છે. વિશેષ કરીને વયોવૃદ્ધ પેન્શનરોને તેમના ઘર નજીકના સ્થળોએ જ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
DLC અભિયાન 5.0 અંતર્ગત વિશેષ શિબિરોનું આયોજન 1 નવેમ્બરથી 30 નવેમ્બર 2026 સુધી ચાલુ રહેશે, જેથી વધુમાં વધુ પેન્શનરો અને પારિવારિક પેન્શનરો આ સુવિધાનો લાભ મેળવી શકે.


