બાલાજી હનુમાનજી મંદિરે ધનતેરસે દાદાને કરાયો ચલણી નોટોનો દિવ્ય ‘ધન શણગાર’
ચલણી નોટોમાંથી બનાવેલ મુગટ, ચક્રાકાર પંખા અને માળાઓથી ગર્ભગૃહ ઝળહળ્યું; ધન, સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટવાસીઓની આસ્થાનું કેન્દ્ર અને કષ્ટભંજન દેવ એવા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ધનતેરસના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. કરણસિંહજી હાઈસ્કૂલ પાસે, ભૂપેન્દ્ર રોડ પર આવેલા અને શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી બાલાજી હનુમાનજી મંદિરે દાદાને ચલણી નોટોનો ભવ્ય અને અનોખો ‘ધન શણગાર’ કરવામાં આવ્યો છે, જે ભક્તોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ધનતેરસ એટલે કે ધન, વૈભવ અને સમૃદ્ધિની આરાધનાનો દિવસ. આ વિશેષ અવસરે મંદિરમાં દાદાના મસ્તકે ચલણી નોટોમાંથી વિશેષ રૂપે તૈયાર કરાયેલો પંખાકાર મુગટ સુશોભિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દાદાની છાતી પર નોટોનું કલાત્મક ચક્રાકાર સુશોભન અને સુવર્ણ હાર પહેરાવવામાં આવ્યા છે, જેનાથી દાદાનું સ્વરૂપ અત્યંત તેજસ્વી અને અલૌકિક ભાસી રહ્યું છે.
દાદાના સિંહાસનની આસપાસ વિવિધ મૂલ્યની રંગબેરંગી ચલણી નોટોની સુંદર ફ્રેમ બનાવવામાં આવી છે. ગર્ભગૃહની પાછળની સુવર્ણ દીવાલ પર નોટોમાંથી બનાવેલા ફૂલ જેવા ચક્રો અને નોટોની લાંબી સાંકળની માળાઓ ગોઠવીને સમગ્ર ગર્ભગૃહને દિવ્ય રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, દાદાના ચરણોમાં પણ નોટોની ખૂબ જ સુંદર અને આકર્ષક ગોઠવણ કરવામાં આવી છે.
ધનતેરસના આ પવિત્ર દિવસે દાદાના આ અદ્ભુત ‘ધન શણગાર’ના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ભાવિકોએ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી પોતાના પરિવાર માટે સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિની પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.
મંદિરના મહંતશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી મુનિવત્સલદાસજી સ્વામી દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને સહપરિવાર બાલાજી દાદાના આ દિવ્ય અને અનોખા શણગારના દર્શનનો લાભ લેવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


