વેરાવળ સોમનાથના વિકાસ માટે રૂ.440 કરોડનો મેગા પ્રોજેક્ટનું મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન આપ્યુ
જોડીયા શહેરને સ્માર્ટ, સમૃદ્ધ અને ડસ્ટ ફ્રી સિટી બનાવવાનું પાલીકાના શાસકોનું વિઝન
સરકારનો હકારાત્મક પ્રતિસાદ મળ્યાનો દાવો; ફંડિંગ મળે તો 18 મહિનામાં વિકાસકાર્યોને વેગ આપવાનું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
સોમનાથના વિકાસની સાથે વેરાવળ અને પાટણ શહેર પણ વિકાસની હરણફાળ ભરે અને આધુનિક સુવિધાઓથી સજ્જ બને તેવા હેતુથી વેરાવળ-પાટણ-સોમનાથ સંયુક્ત નગરપાલિકા દ્વારા આશરે રૂ.440 કરોડનો મહત્વાકાંક્ષી વિકાસ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ સાથે રૂબરૂ મુલાકાત કરી પ્રોજેક્ટની વિસ્તૃત રજૂઆત કરી હતી. સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાની માહિતી પ્રમુખે પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી.
પ્રમુખ નરેશ ગોહેલે જણાવ્યું હતું કે, મે મહિનામાં જવાબદારી સંભાળ્યા બાદથી વેરાવળનો સર્વાંગી વિકાસ તેમની ટીમનો મુખ્ય એજન્ડા રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી નિષ્ણાતોની મદદથી ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં અભિષેક મિશ્રાનું પણ મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
આ પ્રોજેક્ટમાં શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન, દરિયાકાંઠાનો વિકાસ, બ્લુ ઇકોનોમી અને સ્વચ્છતા સહિતના મહત્ત્વના ક્ષેત્રોનો સમાવેશ કરાયો છે. શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓનું આધુનિકીકરણ, સોસાયટીઓના જાહેર પ્લોટમાં આંગણવાડીઓનું નિર્માણ તેમજ આરોગ્ય ક્ષેત્રે અર્બન હેલ્થ સેન્ટર અને રસીકરણ કેન્દ્ર વિકસાવવાનું આયોજન છે. ફિશરીઝ ક્ષેત્રે બહારથી આવતા અંદાજે 50થી 60 હજાર લોકોની આરોગ્ય તપાસ માટે બંદર વિસ્તારમાં વિશેષ સુવિધા ઊભી કરવાનો પણ પ્રસ્તાવ છે.
પ્રવાસન ક્ષેત્રે સોમનાથથી ગીતા મંદિર સુધીના પેડેસ્ટ્રિયન પ્લાઝાને વેરાવળ સુધી લંબાવવા અને દરિયાકિનારાને આંતરરાષ્ટ્રીય કક્ષાના વોટર સ્પોર્ટ્સ તથા સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની યોજના છે. સોમનાથ આવતા શ્રદ્ધાળુઓ માટે વેરાવળમાં પાર્કિંગ, બસ વ્યવસ્થા અને અન્ય સુવિધાઓ ઊભી કરવાનો પણ પ્રસ્તાવ છે.
વેરાવળના 120થી વધુ ફિશ પ્રોસેસિંગ યુનિટ અને વિશાળ માછીમારી ઉદ્યોગને નવી ઊંચાઈ આપવા આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફિશિંગ હબ અને લેન્ડિંગ સેન્ટર વિકસાવી બ્લુ ઇકોનોમીને પ્રોત્સાહન આપવાનું વિઝન રજૂ કરાયું છે.
બીજી તરફ વેરાવળને ડસ્ટ ફ્રી સિટી બનાવવા વિવિધ વિસ્તારોને તબક્કાવાર ડસ્ટ ફ્રી ઝોન તરીકે વિકસાવાશે. ડમ્પિંગ સાઇટ ખાતે સેગ્રિગેશન પ્લાન્ટ શરૂ કરવા અને લેગસી વેસ્ટના નિકાલની કામગીરી પણ હાથ ધરાશે. શહેરમાં કચરો, ગટર અને સફાઈ સંબંધિત ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ લાવવા ચીફ ઓફિસરને સૂચનાઓ આપવામાં આવી હોવાનું પ્રમુખે જણાવ્યું હતું.
વેરાવળના આઇકોનિક રોડ પર સેવા સર્કલ, શહેરના પ્રવેશદ્વાર પાસે વિશાળ રાષ્ટ્રધ્વજ અને આકર્ષક સર્કલ બનાવવાનું પણ આયોજન છે. પ્રોજેક્ટના માર્ગદર્શક અભિષેક મિશ્રાએ યુવાનો માટે સ્ટાર્ટઅપ હબ, વિશ્વકક્ષાનું શિક્ષણ અને સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને મંત્રીએ પ્રોજેક્ટમાં રસ દાખવી અધિકારીઓને વિગતવાર ચર્ચા કરવા સૂચના આપી છે. રૂ.440 કરોડના સમગ્ર પ્રોજેક્ટને અલગ-અલગ તબક્કામાં વહેંચીને ફરી ગાંધીનગરમાં રજૂ કરવામાં આવશે. સરકાર તરફથી યોગ્ય ફંડિંગ મળે તો 18 મહિનામાં વિકાસકાર્યોને વેગ આપવાનો લક્ષ્યાંક છે. હવે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સરકારી મંજૂરી અને નાણાકીય ફાળવણી ક્યારે મળે છે તેના પર વેરાવળવાસીઓની નજર રહેશે.


