સમાધાનના રૂ.2.80 લાખ સહિત રૂ.5.61 લાખની ઠગાઈ, એક્ટિવા પણ પડાવી લીધું
આજીડેમ પોલીસમાં અગાઉ કરેલી અરજીના સમાધાનના નાણાં જમા કરાવવાના બહાને યુવતી સાથે વિશ્વાસઘાત; પિતાના બેંક ખાતામાંથી એટીએમ મારફત રૂ.2.81 લાખ ઉપાડી લીધા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં વિશ્વાસના સંબંધોનો દુરુપયોગ કરી ઠગાઈ આચરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કોઠારિયા મેઈન રોડ પર રામ રણુજા સોસાયટીમાં રહેતી 23 વર્ષીય યુવતી સાથે રૂ.5.61 લાખની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. યુવતીની અગાઉની પોલીસ અરજીના સમાધાન પેટે મળેલા રૂ.2.80 લાખ બેંક ખાતામાં જમા કરાવવાના બહાને લઈ લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, યુવતીના પિતાના નાગરિક બેંકના ખાતામાંથી એટીએમ મારફત રૂ.2.81 લાખ ઉપાડી લેવામાં આવ્યા હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
પોલીસ ફરિયાદની વિગતો મુજબ, કોઠારિયા મેઈન રોડ પર રામ રણુજા સોસાયટી શેરી નંબર-3માં રહેતી નિધીબેન મનસુખભાઈ ગોહેલ (ઉ.વ.23)એ રાજકોટના નિખીલભાઈ રાજેશભાઈ ચંદારાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીએ અગાઉ આજીડેમ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી અરજીના સમાધાન પેટે મળેલા રોકડા રૂ.2.80 લાખ બેંક ખાતામાં જમા કરાવી આપવાના બહાને પોતાની પાસે રાખી લીધા હતા. આ ઉપરાંત, તા.18 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન અલગ-અલગ સમયે નિધીબેનના પિતા મનસુખભાઈના નાગરિક બેંકના ખાતામાંથી એટીએમ મારફત રૂ.2.81 લાખ ઉપાડી લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આમ, રોકડ રકમ સહિત કુલ રૂ.5.61 લાખની ઠગાઈ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઠગાઈનો સિલસિલો અહીં અટક્યો નહોતો. નિધીબેનનું એક્ટિવા મોપેડ (નં. GJ-03-PK-7830), જેની અંદાજિત કિંમત રૂ.47 હજાર છે, તે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું હોવાનું કહી આરોપી લઈ ગયો હતો. જોકે, લાંબો સમય વીતી જવા છતાં એક્ટિવા પરત નહીં આપતાં યુવતીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. આ સમગ્ર મામલે યુવતીએ નાણાં અને એક્ટિવા પરત માગતાં જાનથી મારી નાખવાની ગર્ભિત ધમકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. અંતે નિધીબેને આજીડેમ પોલીસનો સંપર્ક કરતાં પોલીસે નિખીલભાઈ રાજેશભાઈ ચંદારાણા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) અને 351(3) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ ડી.કે. ધાંધલાએ હાથ ધરી છે.


