ટ્રકના પૈસાની ઉઘરાણી અને બે શખ્સોની ધમકીઓથી કંટાળી પ્રૌઢે ઝેર પી આપઘાત કર્યો
5.50 લાખ ચૂકવ્યા છતાં વધુ બે લાખની માંગણી, ટ્રકના ભાડાના પૈસા નહીં આપી એક્ટિવા પણ ગીરવે મૂકી દીધું હોવાનો પુત્રનો આક્ષેપ
અગ્ર ગુજરાત, રાજકોટ
જેતપુરમાં નાણાકીય લેતીદેતીના વિવાદમાં બે શખ્સોના કથિત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક પ્રૌઢે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ટ્રકના નાણાં ચૂકવી દીધા હોવા છતાં વધુ બે લાખ રૂપિયાની ઉઘરાણી કરી ધમકીઓ આપવામાં આવતી હોવાનો અને ટ્રકના ભાડાની રકમ નહીં ચૂકવી એક્ટિવા પણ ગીરવે મૂકી દેવામાં આવ્યું હોવાનો મૃતકના પુત્રએ આક્ષેપ કર્યો છે. પિતાએ પાછળ છોડેલી સ્યુસાઇડ નોટના આધારે જેતપુર સીટી પોલીસે બે શખ્સ સામે મરવા મજબૂર કરવાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જેતપુરના ટાકુડીપરા મેઈન રોડ પર રહેતા દિનેશભાઈ સુરાણીનું ગત તા.23 સપ્ટેમ્બરના રોજ ઝેરી દવા પી લેવાના કારણે મોત થયું હતું. બનાવના દિવસે વહેલી સવારે પત્નીએ જગાડીને છાતીમાં દુખાવો થતો હોવાનું જણાવતાં પુત્ર અક્ષય પિતા પાસે પહોંચ્યો હતો. જોકે, તેઓ બેભાન હાલતમાં મળી આવતાં તાત્કાલિક 108 મારફતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોસ્ટમોર્ટમમાં ઝેરી દવાના કારણે કાર્ડિયાક એરેસ્ટ થતાં મોત થયાનું સામે આવ્યું હતું.
દરમિયાન પરિવારજનોને ઘરના હોલમાં ખાટલા પર પિતાના મોબાઈલ પાસેથી એક કાગળ મળી આવ્યો હતો. આ કાગળમાં દિનેશભાઈએ કિશન મેવાડા અને અશોક જમોડના કારણે માનસિક ત્રાસમાં હોવાની વાત લખી હતી. કિશન મેવાડાને રૂ.5.50 લાખ ચૂકવી દીધા હોવા છતાં વધુ બે લાખની માંગણી કરવામાં આવતી હોવાનો, લખાણ કરાવી ચેક લઈ લીધા બાદ પણ સતત ધમકીઓ મળતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત અશોક જમોડ ટ્રાન્સપોર્ટનો માલ ટ્રકમાં ભરાવતો હતો, પરંતુ તેના ભાડાના નાણાં દિનેશભાઈને ચૂકવતો ન હોવાનો પણ આક્ષેપ સ્યુસાઇડ નોટમાં કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, દિનેશભાઈનું એક્ટિવા લઈ જઈ ગીરવે મૂકી નાણાં મેળવી લીધા હોવાની તેમજ ચેકનો દુરુપયોગ કરી હેરાન કરવામાં આવતા હોવાની વિગતો પણ લખવામાં આવી હતી.
મૃતકના પુત્ર અક્ષયના જણાવ્યા મુજબ, તેમના પિતા છેલ્લા દસેક દિવસથી સતત માનસિક તણાવમાં રહેતા હતા. પરિવારજનો સમક્ષ પણ તેઓ કિશન મેવાડા પાસેથી વધુ નાણાંની માંગણી અને ધમકીઓ મળતી હોવાનું જણાવતા હતા. બીજી તરફ અશોક જમોડ પાસેથી ટ્રકના ભાડાની મોટી રકમ લેવાની બાકી હોવા છતાં તે નાણાં ચૂકવતો ન હતો અને ફોન પણ ઉપાડતો ન હોવાની વાત કરતા હતા. આ પરિસ્થિતિથી કંટાળીને પિતાએ અંતિમ પગલું ભર્યું હોવાનો પુત્રએ આક્ષેપ કર્યો છે. પિતાએ સ્યુસાઇડ નોટમાં પરિવારજનોને સંબોધીને લખ્યું હતું કે, તેઓ ખૂબ જ ટેન્શનમાં છે અને હવે શું કરવું તેની સમજ પડતી નથી. મેવાડા તરફથી વારંવાર હેરાનગતિ અને ધમકીઓ મળતી હોવાનું લખી તેમણે પુત્ર અક્ષયનું ધ્યાન રાખવા પરિવારજનોને વિનંતી કરી હતી. અંતિમ શબ્દોમાં પુત્રને માતાનું ધ્યાન રાખવા અને પરિવારજનોની સંભાળ રાખવા જણાવ્યું હતું. આ મામલે પુત્રએ કિશન પ્રવીણ મેવાડા અને અશોક ચના જમોડ સામે ફરિયાદ નોંધાવતાં જેતપુર સીટી પોલીસે બંને વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા અને મરવા મજબૂર કર્યાની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


