બીલીયાળા નજીક કંપનીમાં ટ્રક પરથી પટકાતાં 38 વર્ષીય યુવાનનું મોત
ટ્રક પર ચડી બારદાનની ગણતરી કરતી વખતે પગ લપસતાં નીચે પટકાયો,રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
ગોંડલના 38 વર્ષીય યુવાનનું બીલીયાળા નજીક આવેલી એક કંપનીમાં ટ્રક પરથી નીચે પટકાતાં મોત નીપજ્યું હતું. ટ્રક પર ચડી બારદાનની ગણતરી કરી રહેલા યુવાનનો અકસ્માતે પગ લપસી જતાં તે નીચે પટકાયો હતો. માથામાં ગંભીર ઈજા પહોંચતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
મળતી માહિતી મુજબ, ગોંડલ શહેરમાં રહેતા ગૌરવ ઉર્ફે વિજય ભુપતભાઈ ગોહેલ (ઉં.વ. 38) ગત તા.5ના રોજ બીલીયાળા નજીક આવેલી એક કંપનીમાં ટ્રક પર ચડી બારદાનની ગણતરી કરી રહ્યા હતા. દરમિયાન અચાનક પગ લપસી જતાં તેઓ ટ્રક પરથી નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને પ્રથમ ગોંડલની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બીજી તરફ, ગોંડલ તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 38 વર્ષીય યુવાનના અચાનક મોતથી પરિવાર પર આભ ફાટ્યું હતું અને ગોંડલમાં શોકની લાગણી પ્રસરી હતી.


