ડાકોર મંદિર ટ્રસ્ટને બૃધ્ધિ આવી, VIP સેવા બંધ
મોરારીબાપુને ખાસ સુવિધા આપ્યા બાદ ભકતો દ્વારા થયેલા વિરોધથી ટ્રસ્ટીઓએ લીધેલો નિર્ણય : VIP મહેમાનો માટે નિર્માણ થતી સુવિધાઓ સ્થગિત કરાઇ
અગ્ર ગુજરાત, ખેડા
ભગવાનનું મંદિર એટલે આસ્થાનું ધામ ભગવાનના દરબારમાં કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. અહીં ગરીબ હોય કે તવંગર, સૌ ભક્તો માટે એક જ ભગવાન અને એક જ દરબાર પરંતુ, જગવિખ્યાત ડાકોરના રણછોડરાયજી મંદિરમાં જાણે આ સમાનતાની ભાવના સામે VIP કલ્ચરનો પડછાયો ઊભો થયો હતો.
VIP દર્શન માટે કીર્તનિયા જાળીના કઠેરાને કાપવાની કામગીરી કરવામાં આવી તો મંદિરના મુખ્ય દ્વાર નજીક VIP રેસ્ટરૂમ બનાવવાની કામગીરી પણ શરૂ કરાઈ. એટલું જ નહીં, VIP મહેમાનો માટે AC બેઠક વ્યવસ્થા, ટોયલેટ અને બાથરૂમ સહિતની સુવિધાઓ ઊભી કરવાનું આયોજન હતું. પરંતુ સવાલ એ હતો કે લાખો રૂપિયાના ખર્ચે VIP માટે સુવિધાઓ ઊભી થઈ રહી છે, ત્યારે સામાન્ય ભક્તોનું શું?
સામાન્ય દર્શનાર્થીઓ, વૃદ્ધો અને ધાત્રી માતાઓ માટેની બેઠક વ્યવસ્થાના સ્થાને VIP હોલ બનાવવાના આયોજન સામે વૈષ્ણવો અને સેવકોમાં ભારે નારાજગી ફેલાઈ. વિરોધ એટલો ઉગ્ર બન્યો કે મંદિર ટ્રસ્ટના ચેરમેન ગીરીશ દાણીનો ઘેરાવ કરવામાં આવ્યો. વૈષ્ણવો અને સેવકોએ આક્ષેપ કર્યો કે ડાકોરના પવિત્ર ધામમાં ‘કર્ણાવતી કલ્ચર’ ઠોકી બેસાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભક્તોનો એક જ સવાલ છે, ભગવાનના દરબારમાં VIP કોણ અને સામાન્ય ભક્ત કોણ?
જોકે, ભક્તોના આક્રોશ અને વિરોધ સામે આખરે મંદિર ટ્રસ્ટને નમતું જોખવું પડ્યું. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા વિવાદિત VIP રેસ્ટરૂમનું કામ તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. રેસ્ટરૂમ દૂર કરી અગાઉની જેમ બેઠક વ્યવસ્થા પુનઃ શરૂ કરવાની ખાતરી પણ આપવામાં આવી.
સામાન્ય ભક્તો, ધાત્રી માતાઓ અને વૃદ્ધો માટે ફરીથી બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની તૈયારી શરૂ થઈ છે. નોંધનીય છે કે અહીં અગાઉ રણછોડરાયજી મંદિરના અનાજ દળવા માટે ઘંટીઘર હતું. મંદિર દ્વારા ઘંટીઘરને ગૌશાળામાં ખસેડીને ભક્તો માટે બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.


