દિવાળી વેકેશન ફળ્યુ! STને રૂ.૪૦.૯૪ કરોડ, રેલવેને ૧૦૦ કરોડની આવક
મુસાફરોના ઘસારાથી સરકારી તિજોરીને મંદીમાં મળેલુ બુસ્ટર
અગ્ર ગુજરાત, રાજકોટ
દિવાળીના તહેવારોમાં વતન જનારા અને હરવા-ફરવા નીકળેલા મુસાફરોના ભારે ધસારાના કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) અને ભારતીય રેલવે વિભાગને બમ્પર કમાણી થઈ છે. દિવાળીનો તહેવાર બંને પરિવહન વિભાગો માટે અત્યંત ફળદાયી સાબિત થયો છે, જેમાં મુસાફરોની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાતા કરોડો રૂપિયાની રેકોર્ડબ્રેક આવક થઈ છે.
એસટી નિગમના આંકડાઓ મુજબ, દિવાળીના તહેવારો દરમિયાન કુલ 16.75 લાખ જેટલી સીટોનું એડવાન્સ બુકિંગ નોંધાયું હતું. મુસાફરોના આ ભારે ધસારા અને એડવાન્સ બુકિંગના પરિણામે એસટી નિગમને ₹40.94 કરોડની માતબર આવક થવા પામી છે. ખાસ કરીને 15 નવેમ્બરના રોજ એસટીમાં સૌથી વધુ સીટ બુકિંગ નોંધાયું હતું, જેમાં માત્ર એક જ દિવસમાં 1.63 લાખ સીટ બુક થવાનો રેકોર્ડ સર્જાયો હતો.
બીજી તરફ, એસટી નિગમની સાથોસાથ ભારતીય રેલવે વિભાગની તિજોરી પણ મુસાફરોના ધસારાથી છલકાઈ ગઈ છે. દિવાળીના તહેવારો દરમિયાન ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ અને ટિકિટ બુકિંગના કારણે રેલવે વિભાગને પણ ₹108.42 કરોડની બમ્પર આવક થઈ છે. આમ, દિવાળીના તહેવારો દરમિયાન લાખો મુસાફરોએ જાહેર પરિવહન સેવાઓનો લાભ લેતા એસટી અને રેલવે બંને વિભાગોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.


