હલેન્ડામાં 11 કે.વી.નો તાર તૂટી પડતાં વાડીમાં કામ કરતા કોળી દંપતીનાં કરુણ મોત
ખેતીકામ દરમિયાન અચાનક માથે પડ્યો જીવંત વીજવાયર, પતિ-પત્નીએ સ્થળ પર જ દમ તોડ્યો : જર્જરિત વીજલાઈન અંગે અગાઉ પણ રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી ન હલ્યાનો ગ્રામજનોનો આક્ષેપ
અગ્ર ગુજરાત, રાજકોટ
ખેતીવાડીના કામમાં પરસેવો પાડીને પરિવારનું ગુજરાન ચલાવતા એક દંપતી માટે મંગળવારની સવાર કાળ બનીને આવી હતી. રાજકોટ તાલુકાના હલેન્ડા ગામે પોતાની જ વાડીમાં ખેતીકામ કરી રહેલા પતિ-પત્ની પર 11 કે.વી.નો જીવંત વીજવાયર તૂટી પડતાં બંનેનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. વીજળીના જીવલેણ પ્રવાહે ગણતરીની ક્ષણોમાં જ બે જિંદગી છીનવી લેતાં વાવડીયા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. બીજી તરફ આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં અરેરાટી સાથે વીજતંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ-આટકોટ રોડ પર આવેલા હલેન્ડા ગામના રહેવાસી ગાંડુભાઈ જાદવભાઈ વાવડીયા અને તેમનાં પત્ની કાંતાબેન ગાંડુભાઈ વાવડીયા મંગળવારે વહેલી સવારે હલેન્ડા-ઉમરાળી રોડ પર આવેલી પોતાની વાડીએ ખેતીકામ માટે ગયાં હતાં. રોજિંદા ક્રમ મુજબ બંને ખેતીવાડીના કામમાં વ્યસ્ત હતાં. પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખેતરમાં મહેનત કરી રહેલા આ દંપતીને જરાય કલ્પના નહોતી કે વાડીમાં હાજર વીજલાઈન જ તેમના માટે મોતનો પાશ બની જશે.
ખેતીકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન વાડી નજીક આવેલા વીજપોલ પરથી અચાનક 11 કે.વી.નો જીવંત વીજવાયર તૂટીને નીચે પડ્યો હતો. દુર્ભાગ્યે આ વાયર સીધો જ ગાંડુભાઈ અને કાંતાબેન પર પડતાં બંનેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. વીજપ્રવાહની ઝપેટમાં આવેલા દંપતી ગંભીર રીતે દાઝી ગયું હતું અને બંનેએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા. એક જ દુર્ઘટનામાં પતિ-પત્ની બંનેનાં મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
ઘટનાની જાણ થતાં આસપાસની વાડીઓમાં ખેતીકામ કરી રહેલા લોકો દોડી આવ્યા હતા. થોડી જ વારમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ એકત્ર થઈ ગયા હતા. જોકે, વીજ કરંટ લાગવાથી દંપતીનું ઘટનાસ્થળે જ મોત થઈ ચૂક્યું હોવાથી તેમને બચાવવાની કોઈ તક મળી નહોતી. બનાવની જાણ તાલુકા પંચાયતના સદસ્ય વનરાજભાઈ ગરૈયા સહિતના સ્થાનિક આગેવાનોને થતાં તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ત્યારબાદ ગ્રામજનોની મદદથી બંને મૃતદેહોને 108 એમ્બ્યુલન્સ મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કરુણ દુર્ઘટના બાદ હલેન્ડા ગામના લોકોમાં વીજતંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ હલેન્ડા અને આસપાસના વિસ્તારોમાં વીજવાયરો લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. વીજલાઈનની સ્થિતિ અંગે અગાઉ પણ સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નહોતાં. જો વીજતંત્ર દ્વારા સમયસર લાઈનની ચકાસણી અને જરૂરી સમારકામ કરવામાં આવ્યું હોત તો કદાચ આજે બે નિર્દોષ જિંદગી બચી શકી હોત, તેવી લાગણી ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. હવે આ ઘટનાને પગલે વીજતંત્ર દ્વારા સમગ્ર વીજલાઈનની તપાસ કરવામાં આવે, જર્જરિત વાયરો તાત્કાલિક બદલવામાં આવે અને દુર્ઘટના માટે જવાબદારી નક્કી કરવામાં આવે તેવી માગ ઊઠી છે. ખેતીકામ માટે ખેતરમાં જતા ખેડૂતોની સુરક્ષા સામે ગંભીર સવાલ ઊભા થયા છે. એક તરફ બે પરિવારીજનોના મોતથી વાવડીયા પરિવાર શોકમાં ગરકાવ છે, તો બીજી તરફ આવી દુર્ઘટના ફરી ન બને તે માટે વીજતંત્ર ક્યારે જાગશે તેવો સવાલ પણ હલેન્ડાના ગ્રામજનો ઉઠાવી રહ્યા છે.


