રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
ફૂલછાબ આયોજિત રામકથાના કાર્યાલયનું શુક્રવારે ઉદઘાટન
સૌરાષ્ટ્ર ટ્રસ્ટના વિદ્યાવૃક્ષ પ્રકલ્પનો કથા થકી થશે આરંભ : રામકૃષ્ણ આશ્રમનો કથામાં આધ્યાત્મિક સહયોગ :
પ્રજાલક્ષી પત્રકારત્વની સાથે સામાજિક નિસબતથી સક્રિય સૌરાષ્ટ્ર ટ્રસ્ટ શિક્ષણ ક્ષેત્રે શરુ કરી રહ્યું છે એક અવિરત યજ્ઞ
સૌરાષ્ટ્રની વિચારધારા ફૂલછાબ દ્વારા સૌરાષ્ટ્રના વાચકોને કથા રસપાન માટે ભાવભર્યું નિમંત્રણ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના આંગણે ૨૦૨૭ના વર્ષના આરંભે મોરારિબાપુના મુખે રામકથાનું આયોજન થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રનું લોકપ્રિય, લોકલક્ષી એવું ૧૦૬ વર્ષ જુનું વર્તમાનપત્ર ફૂલછાબ આયોજન કરી રહ્યું છે. ફૂલછાબ આયોજિત આ રામકથા સૌરાષ્ટ્ર ટ્રસ્ટ-જન્મભૂમિ અખબાર જૂથની રામકથા છે. દેશની સ્વતંત્રતાના સમયથી સમાજને સમર્પિત વર્તમાનપત્ર જૂથ સમાંતરે જનજાગૃતિનું કામ કરતું આવ્યું છે. કુદરતી કે માનવ સર્જિત આપદા વખતે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ- ફૂલછાબ અડીખમ ઊભાં રહ્યાં છે. રામકૃષ્ણ મિશન રાજકોટને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. તે નિમિત્તે આ સંસ્થા પણ કથામાં જોડાઈ રહી છે. આ કથા પણ એવા જ એક મોટી યોજનાનું આરંભબિંદુ બનશે. કથાના કાર્યાલયનું ઉદઘાટન તા. 20 નવેમ્બર શુક્રવારના રોજ મેયર ડો. નેહલ શુક્લના હસ્તે થશે. આ અવસરે સાંસદ પરસોત્તમ રુપાલા, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, રમેશભાઈ ટિલાળા, ઉદય કાનગડ, જાણીતા શિક્ષણવિદ ડો. નિદ્ત બારોટ, ડો. હેમાંગ વસાવડા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, રાજુભાઈ ધ્રુવ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
પત્રકારોને વિગતો આપતા ફૂલછાબના તંત્રી જ્વલંતભાઈ છાયા અને મેનેજર નરેન્દ્ર ઝીબા એ જણાવ્યું હતું કે ૨૦૨૫ની બીજી ઓક્ટોબરે ફૂલછાબ એવોર્ડ સમારોહમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીએ પોતાના વક્તવ્યમાં મોરારિબાપુને એક રામકથા ફૂલછાબને આપવા અનુરોધ કર્યો હતો. બાપુએ ત્યારે જ તેનો સ્વીકાર કર્યો હતો. જૂન ૨૦૨૬માં મોરારિબાપુએ રાજકોટમાં ફૂલછાબની રામકથાની તારીખ પણ આપી દીધી હતી.
આ રામકથા તા.૯મી જાન્યુઆરી, શનિવારથી ૧૭ જાન્યુઆરી ૨૦૨૭, રવિવાર દરમિયાન રેસકોર્ષના મેદાન ખાતે યોજાશે. કથા બાદ દરરોજ ભોજન પ્રસાદ હોય તે તો મોરારિબાપુની રામકથાની પરંપરા છે. કથાની સાથે જ સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેની વિગતો હવે જાહેર થશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે પરંપરા અને પ્રગતિના સેતુ સમાન એક વિશેષ પ્રકલ્પ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ હાથ ધરી રહ્યું છે જેનું નામ વિદ્યાવૃક્ષ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાંમાં શિક્ષણનો વ્યાપ, તેને લગતી આધુનિક સુવિધા- સવલતોની શરુઆત સહિતની બાબતોનો સમવેશ થાય છે.
રુ. ૧૦૦૦ કરોડના અંદાજિત બજેટના આ પ્રકલ્પ માટે સમાજના શ્રેષ્ઠિઓને પણ જોડાવા માટે ટ્રસ્ટ આહ્વાન કરશે. અંતરિયાળ વિસ્તારમાં પણ બાળકોને એઆઈ જેવી આધુનિક પદ્ધતિનો લાભ મળે તે આ પ્રકલ્પનો મુખ્ય હેતુ છે. આ પરિયોજના સૌરાષ્ટ્ર ટ્રસ્ટની છે. આજીવન વ્યાપક સ્વરુપે એક શિક્ષકની ભૂમિકામાં કામ કરતા મોરારિબાપુની રામકથા પણ એક પ્રકારે લોકશિક્ષણનું માધ્યમ છે. તેથી શિક્ષણના આ પ્રકલ્પનો આરંભ આ કથાથી થશે. સૌ ટ્રસ્ટીગણના માર્ગદર્શનમાં ફૂલછાબ, જન્મભૂમિ અને કચ્છમિત્ર અખબારની ટીમ, વિવિધ સહયોગી સંસ્થાઓ તૈયારી કરી રહી છે.
ઠાકુરની નિશ્રામાં ફૂલછાબની કથાઃ બાપુનો અનુગ્રહ
દેશવ્યાપી ફલક ધરાવતી આધ્યાત્મિક સંસ્થા રામકૃષ્ણ મિશનના રાજકોટ મંદિરને ફેબ્રુઆરી ર૦ર૭ માં ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આશ્રમે મોરારિબાપુ પાસે કથા માગી હતી પરંતુ બાપુએ કહ્યું કે કથા તો ફૂલછાબને અપાઈ ગઈ છે. પછી તેમણે જ આશ્રમના સંતોને કહ્યું કે ફૂલછાબને જો વાંધો ન હોય તો તમે તમારું નામ જોડી શકો. આશ્રમના આ પ્રસ્તાવને સૌરાષ્ટ્ર ટ્રસ્ટે સ્વીકાર્યો. આ કથા ફૂલછાબની- સૌરાષ્ટ્ર ટ્રસ્ટની છે. ઠાકુર રામકૃષ્ણ પરમહંસની દિવ્ય ચેતના સમાન રામકૃષ્ણ આશ્રમ રાજકોટ તેમાં આધ્યાત્મિક સહયોગ કરી રહ્યો છે.
દરરોજ ભોજન, વિવિધ કાર્યક્રમો
રાજકોટમાં ફૂલછાબની રામકથામાં પણ અન્ય કથાઓની જેમ બપોરે ભોજન-પ્રસાદ તમામ શ્રોતાઓ માટે રહેશે. રોટલો ખાઈને જ જજો તેવો અનુરોધ બાપુનો દરેક કથામાં હોય છે. આ કથામાં પણ ભોજન પ્રસાદ રહેશે. ઉપરાંત સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે જેનું આયોજન અંતિમ તબક્કામાં છે.
દરરોજ એક વક્તવ્ય
કથા પુર્વે દરરોજ એક વક્તાનું વક્તવ્ય પંદર મિનિટ માટે રાખવાનું આયોજન છે. ગુજરાતના નામાંકિત વક્તાઓ શિક્ષણ-કેળવણીના આધુનિક પ્રવાહ, ભારતીય પરંપરા સહિતના વિષયો પર વક્તવ્ય આપશે.
યુવાનો સુધી પહોંચવાનો હેતુ
મોરારિબાપુ હંમેશા કહે છે કે વડીલો મને આશીર્વાદ આપે છે. મારો સંવાદ તો યુવાનો સાથે હોય છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટનો પણ હેતુ યુવાનો સુધી પહોંચવાનો છે. વિદ્યાવૃક્ષ યોજના પણ યુવાન વિદ્યાર્થીઓ માટે છે. કથામાં વધારેમાં વધારે સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહે તેવું આયોજન છે. કથાની સાથે વિવિધ જીવનલક્ષી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવશે.


